બેંગકોકઃ ચાઇનીઝ ગેંગ દ્વારા સુરત સહિત દેશ-વિદેશના 40 યુવાનોને મ્યાનમારમાં બંધક બનાવાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે સુરત સાઇબર ક્રાઇમે સુરતથી એક અને પંજાબના ચંદીગઢથી બે આરોપીને ઝડપી પાડ્યા હતા. આ મામલે સુરત સાઇબર સેલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે, જેમાં રોજ નવા અને ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે.
દેશ-વિદેશના 40 યુવાન બંધક
સાઇબર સેલની તપાસમાં ઝડપાયેલા નીરવ ચૌધરીએ ચાઇનીઝ ગેંગ સાથે મળી સુરત સહિત દેશ-વિદેશના 40 યુવાનને સાઇબર ગુલામ બનાવ્યા છે, જેમાંથી ત્રણ યુવાન સુરતના છે. આ અંગે વીડિયો વાઇરલ થયો છે, જેમાં મ્યાનમારમાં ચાલતા ચાઇનીઝ માફિયાના ગુપ્ત કાર્યાલયની અંદર અને બહારનાં દૃશ્યો કેદ છે. આ એ જ ઓફિસ છે, જ્યાં લોકોને સાઇબર ગુલામ બનાવાયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ યુવાનોને સાઇબર ક્રાઇમની ટ્રેનિંગ અપાય છે.
3 તબક્કામાં ટ્રેનિંગ
ચાઇનીઝ માફિયાઓ દ્વારા આ બંધક યુવાનોને ત્રણ તબક્કામાં ટ્રેનિંગ આપવામાં આવે છે. જેના પ્રથમ તબક્કામાં લોકોને કોપી-પેસ્ટ જેવી સાદી કામગીરી સોંપાય છે. બીજા તબક્કામાં યુવાનોને ચેટિંગના ટાસ્ક અપાય છે. જ્યારે ત્રીજા તબક્કામાં જેમનું અંગ્રેજી સારું હોય તેમના પર વધુ ધ્યાન આપી સાઇબર ક્રાઇમ કેવી રીતે કરવો એની આખી સ્ક્રિપ્ટ લખીને ટ્રેનિંગ અપાય. છે.
બેંગકોકથી ગેરકાયદે લઈ જવાય છે
આ ગેંગ ભારતીય યુવાનો સહિત વિદેશના નાગરિકોને નોકરીની લાલચ આપીને પહેલા બેંગકોક એરપોર્ટ પર લઈ જાય છે. ત્યાંથી તેમને છ કલાક દૂર ટાક જિલ્લાના મેસોટ શહેરમાં લઈ જાય છે. મેસોટ પહોંચ્યા બાદ યુવાનોને એક હોટલમાં રખાય છે અને ત્યાંથી થાઇલેન્ડ અને મ્યાનમારને અલગ કરતી નદી પાર કરાવી ગેરકાયદે મ્યાનમારના માયાવાડ શહેરની કે.કે. પાર્ક નામની જગ્યાએ લઈ જવાય છે.