કંડલાઃ ગુજરાતના કંડલા એરપોર્ટ પર શુક્રવારે બપોરે 2:38 વાગ્યે સ્પાઇસ જેટના મુંબઈ જઈ રહેલા વિમાનના ટેકઓફ દરમિયાન પાછળ જમણી તરફનું એક પૈડું નીકળી ગયું હતું. ફ્લાઇટમાં સવાર એક મુસાફરે વ્હીલ પડી જવાનો વીડિયો કેપ્ચર કરી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. આ ઘટના બાદ મુંબઈ એરપોર્ટ પર ઇમર્જન્સી જાહેર કરાઈ હતી. ગ્રાઉન્ડ સ્ટાફ તથા પાઇલટે સમયસૂચકતા દાખવીને પ્લેનનું સફળ લેન્ડિંગ કરાવ્યું હતું. 70 પેસેન્જર તથા ક્રૂ મેમ્બર સુરક્ષિત પહોંચતાં સૌએ હાશકારો લીધો હતો. જો કે ટેકઓફ પહેલાં વ્હીલ ચકાસ્યા વિના કેવી રીતે પ્લેનને ક્લીયરન્સ અપાયું એ મોટો સવાલ છે. સ્પાઇસ જેટ એરલાઇનની ગંભીર બેદરકારી મામલે ડીજીસીએ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
ટાવર કંટ્રોલરે જોયું હતું
આ વિમાન બોમ્બાર્ડિયર DHC8-400 હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંડલા એરપોર્ટ પર રન-વે 23થી ઉડાન ભરતી વખતે ટાવર કંટ્રોલરે વિમાનથી કાળા રંગની કોઈ વસ્તુ નીચે પડતી નિહાળી હતી. ચકાસણી માટે બાદમાં એક જીપ રવાના કરાઈ ત્યારે ખ્યાલ આવ્યો કે એ વિમાનનું ટાયર હતું.
54 પૈકી 33 પ્લેન બંધ
ભારતના એવિએશન ક્ષેત્રમાં સ્પાઇસ જેટનો માર્કેટ શેર ઘટીને માત્ર 1.9 ટકા રહ્યો છે. હાલ કંપનીનાં 54 પૈકી 33 પ્લેન બંધ છે, તથા કંપની પાસે માત્ર રૂ. 333 કરોડનું ફંડ છે. ખરાબ નાણાકીય પરિસ્થિતિ વચ્ચે સ્પાઇસ જેટના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહને કંપની દ્વારા રૂ. 32 કરોડ વ્યાજ ફ્રી લોન અપાઈ છે. સ્પાઇસ જેટે કહ્યું છે કે, આ રકમ તેમના પગારથી સરભર કરાશે.

