વનતારાએ નિયમોનું પાલન કર્યું, બદનામ ન કરશોઃ સુપ્રીમ કોર્ટ

Wednesday 17th September 2025 06:11 EDT
 
 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિંગ ટીમે વનતારા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરને ક્લીનચીટ આપી છે. જસ્ટિસ પંકજ મિત્તલ અને જસ્ટિસ પી.બી. વરાલેની બેન્ચે તપાસ રિપોર્ટ રેકોર્ડ પર લેતાં કહ્યું કે, SITએ નિષ્ણાતોની મદદથી તપાસ કરી અને કોઈ ઉલ્લંઘન મળ્યું નથી. વનતારાએ અનેક મામલે આંતરરાષ્ટ્રીય માનકોથી સારું કામ કર્યું હતું. હાથી તેમજ અન્ય જાનવરોને કાયદેસર લવાયાં છે. રિપોર્ટ સાહસિક, વિસ્તૃત અને નિષ્પક્ષ છે. તેના પર શંકાનો કોઈ અવકાશ નથી. વારંવાર આવી અરજી દાખલ કરવી ન્યાયિક પ્રક્રિયાનો દુરુપયોગ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મામલે હવે કોઈપણ નવી અરજી અથવા વાંધો કોઈ કોર્ટ, ઓથોરિટી કે ટ્રિબ્યુનલમાં સ્વીકારાશે નહીં.
રિપોર્ટનો સારાંશ સાર્વજનિક છે, પરંતુ પૂરો રિપોર્ટ સંબંધિત પક્ષો સુધી જ રહેશે. તેની ભલામણો પર અધિકારીઓ કાર્યવાહી કરી શકશે. ભવિષ્યમાં કોઈ અપમાનજનક અથવા ખોટા પ્રકાશન અથવા પ્રસારણ પર વનતારા માનહાનિનો દાવો અથવા કેસ કરી શકે છે. કોર્ટે SIT સભ્યોને માનદ વેતન ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.
વનતારા તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ જણાવ્યું કે, તપાસ સમિતિની વનતારાની મુલાકાતમાં તમામ સ્ટાફ હાજર હતો અને બધું જ બતાવ્યું હતું. જાનવરોની દેખરેખમાં મોટી રકમનો ઉપયોગ થયો છે, તેમાં વાણિજ્યિક ગોપનીયતા પણ જોડાયેલી છે. તેને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પૂરો રિપોર્ટ જાહેર થશે તો આંતરરાષ્ટ્રીય મીડિયા અટકળો લગાવશે.
પૂર્વ જસ્ટિસની આગેવાનીમાં તપાસ
સુપ્રીમે 25 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ જે. ચેલમેશ્વરના નેતૃત્વમાં SITની રચના કરી હતી. તેને સૌથી પ્રતિષ્ઠિત અને સ્વતંત્ર જસ્ટિસ તરીકે પસંદ કરાય છે. તેઓ સ્વતંત્ર અને સ્પષ્ટ રીતે વલણ રજૂ કરનારા જજ તરીકે ઓળખાય છે. તેમાં હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રાઘવેન્દ્ર ચૌહાણ, પૂર્વ પોલીસ કમિશનર હેમંત નાગરાલે અને પૂર્વ IRS અધિકારી અનીશ ગુપ્તા સામેલ હતા. SITએ 12 સપ્ટેમ્બરે રિપોર્ટ સોંપ્યો હતો.
દેશના ગૌરવ, વિવાદ નહીં: સુપ્રીમ
સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું, સમિતિનો તપાસ રિપોર્ટ સ્વતંત્ર અને નિષ્ણાતોની મદદથી બન્યો છે, તે માન્ય રહેશે. સુનાવણીમાં ફરિયાદી પક્ષના વકીલે કહ્યું કે, તેમની અરજી મંદિરના હાથીને વનતારા લઈ જવા પર છે, કારણ કે નિયમોનું પાલન થયું નથી. જેને સાંભળવાનો ઇનકાર કરતાં બેન્ચે કહ્યું કે, કેટલીક વસ્તુઓ દેશના ગર્વ સાથે જોડાયેલી છે. કારણ વગર વિવાદમાં ન લાવો. હાથીઓની ખરીદી કાયદેસર થઈ તો શું મુશ્કેલી છે? સારી પહેલ થઈ રહી છે, થવા દેવી જોઈએ, ખુશ થવું જોઈએ.
અનંતનો ડ્રીમ પ્રોજેક્ટ
વનતારાનું સંચાલન ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીનો પરિવાર રિલાયન્સ ફાઉન્ડેશન કરે છે. આ તેમના દીકરા અનંત અંબાણીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જામનગરમાં લગભગ 3,000 એકરમાં ફેલાયેલું આ કેન્દ્ર દુનિયાના સૌથી મોટાં કેન્દ્રો પૈકી એક છે.


comments powered by Disqus