રાજકોટઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયા બાદ તેમના પરિવારજનો હજુ શોકગ્રસ્ત છે, ત્યાં જ રાજકોટ ભાજપ દ્વારા કરાયેલી એક હરકતથી રૂપાણી પરિવારમાં ભારે નારાજગી પ્રવર્તી છે. રાજકોટ ભાજપ દ્વારા અંતિમવિધિ અને બેસણા માટે રાજકોટમાં થયેલા રૂ. 20 લાખથી વધુના ખર્ચના મુદ્દે એવું માનવામાં આવતું હતું કે, આ ખર્ચ સ્થાનિક ભાજપ ઉઠાવશે. જો કે હવે વિશાળ ડોમ અને પુષ્પાંજલિ માટેનાં પુષ્પો સહિતના ખર્ચનાં બિલ સ્થાનિક ભાજપે ઉઠાવવાના બદલે સ્વર્ગસ્થ રૂપાણીના પરિવાર પર નાખવાનો સંકેત આપતાં નારાજગી જોવા મળી રહી છે.
સ્વર્ગસ્થ રૂપાણીના અચાનક થયેલા મૃત્યુ બાદ બાદ કેન્દ્રીય નેતાગીરી દ્વારા ઊંડી સંવદના વ્યક્ત કરાઈ હતી અને પરિવારજનોને પક્ષ તેમની સાથે છે તેવી હૈયાધારણ અપાઈ હતી. પૂર્વ મુખ્યમંત્રીના નિધન બાદ અમદાવાદ અને ગાંધીનગરમાં શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. આ બધી જ જવાબદારી પક્ષના પ્રદેશ નેતાઓએ અને સત્તા પક્ષના આગેવાનોએ સંભાળી હતી. જો કે રાજકોટમાં નીકળેલી અંતિમયાત્રા અને ટોચના આગેવાનોની હાજરીમાં યોજાયેલા બેસણાના કાર્યક્રમમાં જે ખર્ચ થયો હતો તે સ્થાનિક ભાજપ ઉઠાવશે તેવું માનવામાં આવી રહ્યું હતું. જે અંતર્ગત અહીં ડોમ બેઠક વ્યવસ્થા વગેરે કરનારા કોન્ટ્રાક્ટર બિલ માટે ભાજપ કાર્યાલયે ગયા ત્યારે તેમને જણાવાયું હતું કે આ ખર્ચ સ્વર્ગસ્થ રૂપાણીના પરિવારજનો ઉઠાવશે.
પક્ષે સ્વ. રૂપાણી માટે બધું જ કર્યુંઃ શહેર ભાજપ પ્રમુખ
શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ કહ્યું હતું કે, પાર્ટીએ જે કંઈ કરવાનું હતું તે બધું જ કર્યું છે. તેમના પરિવારજનો દ્વારા પણ જે કંઈ કરવાનું હતું તે બધું કરવામાં આવ્યું છે. આ મુદ્દો ચર્ચાનો જણાતો નથી. અમારા તરફથી તેમના પરિવાર પાસે કોઈ બિલ મોકલાયાં નથી, બાકી આ મામલે મારી પાસે કંઈ વિગતો નથી.