સાંતલપુર-સૂઈગામ રણમાં માથાડૂબ પાણી ભરાતાં મીઠાઉદ્યોગને કરોડોનું નુકસાન

Wednesday 17th September 2025 06:10 EDT
 
બનાસકાંઠાના વાવ, સૂઈગામ અને થરાદમાં પૂરની સ્થિતિના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રભાવિત વિસ્તારની સ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં રોકાણ કરી વાવના માડકા ગામે અસરગ્રસ્ત લોકો સાથે સંવાદ કરતાં સ્થાનિકોને ‘સરકાર તમારી સાથે છે’ તેવું આશ્વાસન આપ્યું હતું.
 

ગાંધીનગરઃ વરસાદી પ્રકોપના કારણે બનાસકાંઠાના સુઇગામ અને પાટણના સાંતલપુરનું નાનું અને મોટુ રણ દરિયામાં ફેરવાઈ જવાની સાથે હજારો અગરિયાઓની રોજગારી છિનવાઈ ગઈ છે. જ્યાં મીઠું પકવવામાં આવે છે, તેવા નાના ફાર્મ તથા કંપનીઓનાં યુનિટ્‌સના વિસ્તારમાં માથા ડૂબ પાણી ભરાઈ જવાના કારણે મીઠા ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન પડવાનું નક્કી છે. કરૂણતા એવી છે, કે પાટણના સાંતલપુરના અને સુઇગામના બોરૂ, મસાલી, અને માધવપુર ગામના મીઠું પકવવાની મજૂરી કરતા 5 હજાર જેટલા અગરિયા પરિવારોની હાલત કફોડી થઈ છે. આ સાથે મીઠું પકવવાનું કામ હવે બેથી ત્રણ મહિના મોડું થવાના કારણે મીઠાનું ઉત્પાદન લાખ્ખો ટનમાં ઘટવાના અણસાર છે.
કચ્છના નાના અને મોટા રણ વિસ્તારમાં પાટણ જિલ્લાના સાંતલપુરમાં, બનાસકાંઠાના સૂઇગામમાં અને કચ્છના આડેસરામાં ધમધમતા મીઠાઉદ્યોગ પર કુદરત રુઠી છે. નાના રણના જ 22 કિલોમીટર અને મોટા રણમાં 20 કિલોમીટરથી વધુ વિસ્તારમાં મીઠું પકવવાની કામગીરી બેથી ત્રણ મહિના મોડી શરૂ થશે, કારણ કે ત્યાં 6થી 7 ફૂટ જેટલાં પાણી ભરાયાં છે અને તેનો કુદરતી નિકાલ કરવા કોઈ વિકલ્પ રહ્યો નથી. આ સંજોગોમાં રાબેતા મુજબ નવરાત્રીની શરૂઆતથી કામ કરવું શક્ય નથી.
દિવાળી અથવા તો દેવદિવાળી ઉતર્યા બાદ જો સ્થિતિમાં સુધારો આવે તો અગરિયાઓ રણમાં પ્રવેશ કરીને મીઠું પકવવાનું કામ કરી શકશે. જોકે, ભારે વરસાદના કારણે મીઠા ફાર્મના પાળા તૂટી ગયા છે અને ખારાશ કાઢવા માટે કરવામાં આવતા 90 થી 100 ફૂટ ઉંડાઈના 70 ટકા ઉપરાંત બોર પણ ફેલ થઈ ગયા હોવાથી આમ આદમીના હાથની વાત રહી નથી.
સાંતલપુર પાસે કચ્છના નાના રણ વિસ્તારમાં કોઈ નાની મોટી કંપનીઓના નહીં પરંતુ અગરિયાઓના 1200 જેટલા નાના ફાર્મ આવેલા છે. જેમાં દરેકમાં 2 હજાર ટન જેટલું મીઠુ પકવવામાં આવતુ હોવાથી આ વિસ્તારમાંથી જ સરેરાશ 24 લાખ ટન જેટલુ મીઠું પાકે છે. અહીં 3600 જેટલા અગરિયા પરિવારોને રોજગારી મળે છે.
લોકો રોડ પર અનાજ સૂકવવા મજબૂર
16 ઈંચ વરસાદથી સૂઈગામનાં ખેતરો તબાહ થયાં અને લોકોનાં ઘરની ઘરવખરી નાશ પામી, જેથી ઘરમાં રહેલું અનાજ પણ પલળી ગયું છે. આ સ્થિતિમાં કેટલાય પરિવારોનું અનાજ સહિત બધું તણાઈ ગયું છે. હવે વરસાદ રહી ગયા બાદ જે બચ્યું તે લઈને લોકો સુરક્ષિત સ્થળે જતા રહ્યા છે અને હવે લોકો ઊંચાઈ પર આવેલા સનાલી ગામના રોડ પર પોતાનું અનાજ સૂકવી રહ્યા છે. લોકો પોતાના ઘરનો બચેલો સામાન લઈને રોડ પર બેસી રહેવા મજબૂર બન્યા છે.
સૂઇગામમાં ત્રણ દિવસ ભારે વરસાદ પડતાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. દરમિયાન નડાબેટ નજીક બોરુના રણમાં મીઠાના ઢગલા વરસાદી પાણીમાં ઓગળી જતાં અગરિયાઓને મોટું નુકસાન થયું છે. શનિવારે રાત્રીથી સોમવારે સાંજ સુધી પડેલા ધોધમાર વરસાદથી સમગ્ર પંથકનો સિનારિયો બદલાઈ ગયો છે. થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે.


comments powered by Disqus