હવે વરસાદ આવશે તો કપાસનાં ફૂલ ખરી પડશેઃ ખેડૂતો ચિંતામાં

Wednesday 17th September 2025 06:11 EDT
 
 

સુરેન્દ્રનગરઃ વઢવાણ પંથકમાં ભાદરવા માસમાં વરસાદ વરસ્યો હતો, જેમાં વઢવાણ તાલુકામાં ભારે પવન સાથે વધુ વરસાદ પડ્યો છે. આથી ખેતરોમાં ઊભા પાકને નુકસાન થયું છે. આ સ્થિતિમાં ખેડૂતો ચિંતિત છે કે, હજુ વરસાદ આવશે તો કપાસના છોડનાં ફૂલ ખરી પડશે તો ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જશે.
ઝાલાવાડમાં છેલ્લાં 2 વર્ષથી નવરાત્રી દરમિયાન વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે પણ નવરાત્રી દરમિયાન વરસાદ પડશે તો ખેડૂતોને નુકસાન થશે. વઢવાણ પંથકમાં ભાદરવા માસમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વઢવાણ વાઘેલા, વાડલા, કોઠરિયા, માંલોદ ગામની સીમમાં વધુ વરસાદ પડ્યો છે, જેના કારણે આ ગામની સીમ ખેતરોમાં પાણી ભરાયાં છે. આથી ઊભા પાકને નુકસાનનો ભય ઊભો થયો છે. જેમાં કપાસ, જુવાર, તલ, મગફળીના પાકની ગુણવત્તા અને ઉત્પાદનને ભારે અસર થઈ છે. આથી ખેડૂતોને સરકાર સહાય કરે તેવી માગ ઊઠી છે. આ અંગે સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું કે, વઢવાણ તાલુકાને 2 વર્ષથી પાક નુકસાનની સહાય મળી નથી. વઢવાણ પંથકમાં સરવેમાં લાગવગશાહી થઈ છે. આ વર્ષે પણ ભારે વરસાદ વચ્ચે પાકને નુકસાન થયું છે. જેમાં નવરાત્રી દરમિયાન વરસાદ પડશે તો ખેડૂતોને મોટું નુકસાન થશે.


comments powered by Disqus