વડોદરાઃ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીપી સ્કીમ નંબર-22ના ફાઇનલ પ્લોટ નં-90ના પ્લોટ પર ગેરકાયદે કબજો કરવાના વિવાદમાં પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા કરાયેલી રિટઅરજી ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ મોના એમ. ભટ્ટે ફગાવી દીધી હતી. હાઇકોર્ટે યુસુફ પઠાણ દ્વારા જમીન પર કરાયેલા અતિક્રમણને દૂર કરવા અંગેના વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્દેશને બહાલ રાખ્યો હતો. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, યુસુફ પઠાણને
પ્લોટ ફાળવવાનો કોઈ આદેશ કરાયો નથી.
હાઇકોર્ટે એવી પણ ટકોર કરી હતી કે, સેલિબ્રિટીઓ સામાજિક રોલ મોડેલ છે અને તેમની ખ્યાતિ અને જાહેર હાજરીના આધારે તેઓ જાહેર વર્તન પર નોંધપાત્ર પ્રભાવ ધરાવે છે, તેથી કાયદાનું પાલન નહીં કરવા છતાં તેમને ઉદારતા આપવાથી સમાજમાં ખોટો સંદેશો જાય. વડોદરા મનપા તરફથી જણાવાયું હતું કે, આ વિવાદિત જમીન જાહેર હરાજી વિના યુસુફ પઠાણને આપવાની હતી, તેથી તેમાં સરકારની મંજૂરી લેવી જ પડે અને સરકારની મંજૂરી વિના પ્રોસેસ આગળ વધારવી શકય જ નથી.
સામાન્ય સભા માત્ર જમીનના વેલ્યુએશનનું એપ્રૂવલ આપી શકે. સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોડીએ યુસુફને જમીન આપવાની મંજૂરી આપી, પરંતુ રાજ્ય સરકારની મંજૂરી અનિવાર્ય છે. આ મંજૂરી લેવાનું અગાઉથી જ સ્પષ્ટ હતું. અરજદારને વડોદરા મનપા તરફથી વારંવાર રિમાઇન્ડર મોકલાયું હતું, પરંતુ એ વખતે 2013માં તેઓ ભારતીય ક્રિકેટ ટીમ સાથે સાઉથ આફ્રિકાના પ્રવાસે હતા. ત્યારે તેમણે જમીન પોતાને ફાળવવા અંગેની કાર્યવાહી આગળ હાથ ધરવા અને પોતાને જે કાર્યવાહી કરવાની થતી હોય તે અંગે પૃચ્છા કરી હતી.