કોફિન જોતાં જ અંજલિબેન ભાંગી પડ્યાં, રૂદન અને શોકમય માહોલ

Wednesday 18th June 2025 08:47 EDT
 
 

70 કલાક બાદ ડીએનએ મેચ થતાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોફિન જોતાં જ રૂપાણીના પત્નિ અંજલીબેન ભાંગી પડ્યાં હતાં. હૈયાફાટ રૂદન કરતાં શોકમય માહોલ છવાયો હતો. પુત્ર- પુત્રી અને પરિવારજનો શોકાતુર બનતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતાં.
અંજલીબેન રૂપાણી, પુત્ર ઋષભ અને પુત્રી રાધિકાબેન સહિત પરિવારજનો સાડા અગિયાર વાગે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં રૂપાણીના પાર્થિવ દેહને સોંપાતાં પરિવારજનોએ હૈયાફાટ રૂદન કરતાં વાતાવરણમાં ભારે ગમગીની છવાઇ ગઇ હતી. પુત્ર ઋષભે તો પિતા રૂપાણીનો ચહેરો જોવા ઇચ્છા વ્યક્ત કરી હતી પણ તે શક્ય થયુ નહીં. આ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતાં. ઉપસ્થિત લોકો પણ આંસુ રોકી શક્યા ન હતાં. અંજલીબેનને પણ એ વાતનો વસવસો રહ્યો કે, તેઓ પતિનો ચહેરો પણ જોઈ શક્યા નહીં. શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તિરંગામાં લપેટાયેલાં પાર્થિવ દેહને તેમના પરિવારજનોને સંપૂર્ણ સન્માન સાથે સોંપવામાં આવ્યો હતો.
દિવંગત નેતાના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યો હતો. સિવિલના પ્રાંગણમાં જ રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.
અમે તમારી સાથે છીએઃ અમિત શાહની સાંત્વના
રાજકોટના જાહેર જીવનને દિપાવનાર વિજય રૂપાણીના પ્લેન ક્રેશમાં નિધન બાદ સોમવારે રાજકોટમાં તેમના ઘરેથી અંતિમયાત્રા પૂર્વે શોકાંજલિ પાઠવવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી, રાજયપાલ સહિતના નેતાઓએ તેમને અંતિમવિદાય પૂર્વે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલિબેન અને પુત્ર ઋષભને સાંત્વના આપી હતી. તેમણે કહ્યું હતું કે, અમે સૌ આ દુઃખદ પળોમાં તમારી સાથે છીએ.
સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, રાજ્યસભા સાંસદ મયંક નાયક સહિત રાજકીય આગેવાનો, ઉચ્ચ અધિકારીઓ તેમજ અનેક સંસ્થાઓ-સમુદાયોના અગ્રણીઓ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સિવિલ કેમ્પસથી જ વિશેષ એમ્બ્યુલન્સમાં પાર્થિવદેહ સાથે સૌ એરપોર્ટ પહોંચી સીધા વિશેષ વિમાન મારફતે રાજકોટ પહોંચ્યા હતા.
વિજયભાઈને અશ્રુભીની અલવિદા
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સાડા પાંચ દાયકાના જીવન-કવનના સાક્ષી એવા રાજકોટમાં સોમવારે તેમની અંતિમ યાત્રા અને અગ્નિસંસ્કાર થયા હતા. વિજયભાઈના પાર્થિવ દેહને વિમાનમાર્ગે શહેરથી 30 કિ.મી.ના અંતરે હીરાસર લવાયો હતો અને ત્યાંથી ભાજપના અનેક નેતાઓની હાજરીમાં રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે બપોરે આશરે અઢી વાગ્યે લવાતા લોકોની આંખો ભીંજાઈ હતી. સ્વ. રૂપાણીના પસંદગીના ઉટીથી લવાયેલા પૂષ્પોથી શણગારેલા વાહનમાં તેમની શોકયાત્રા મુખ્યમાર્ગો પરથી પસાર થઈને તેમના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટી ખાતે પહોંચી ત્યારે રસ્તામાં ઠેરઠેર લોકોએ તેમને પૂષ્પાંજલિ અર્પણ કરી હતી.
પૂર્વ મુખ્યમંત્રીના નિવાસસ્થાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી.આર.પાટિલ, નિતીન પટેલ સહિત ભાજપના ટોચના નેતાઓ આવી પહોંચ્યા હતા. પોલીસ ગાર્ડ્ઝ દ્વારા 21 ગનથી હવામાં 3 વાર ફાયરીંગ કરીને સદગત પૂર્વ મુખ્યમંત્રીને સલામી આપીને કલેક્ટર,પોલીસ કમિ. સહિત ઉચ્ચ અધિકારીઓ અને સાંસદો,ધારાસભ્યો વગેરેની હાજરીમાં ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.
સ્વ. વિજયભાઇના ધર્મપત્ની અંજલીબેન અને પુત્ર ઋષભે સૌ પ્રથમ ભારે હૃદયે, રૂદન સાથે પાર્થિવદેહને માથુ નમાવીને વંદન કર્યા હતા. મોડી સાંજે અંતિમયાત્રા નીકળી હતી જેમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ મુખ્યમંત્રી, રાજ્યપાલ સહિતનાં દિગજ્જ આગેવાનો જોડાયા હતા. અંતિમયાત્રા કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ સહિત મુખ્યમાર્ગો પરથી પસાર થઈને રામનાથપરા મુક્તિધામ પહોંચી હતી જ્યાં ગાર્ડ ઓફ ઓનર બાદ ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિ સાથે અંતિમ સંસ્કાર કરાયા હતા.
રાજકોટ-સૌરાષ્ટ્ર હિબકે ચઢ્યું
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો પાર્થિવદેહ સોમવારે મોડી સાંજે પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો હતો. બપોરે રાજકોટ એરપોર્ટથી એમના નિવાસસ્થાન અને ત્યાંથી અંતિમધામ સુધીના માર્ગો પર રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો ઉમટી પડ્યા હતા અને વરસતા વરસાદમાં રૂપાણીને ભારે હ્યદયે, હૈયાફાટ રૂદન સાથે વિદાય આપી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીયમંત્રી સી.આર. પાટીલ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ સહિતના વરિષ્ઠ નેતાઓ, આગેવાનો, મંત્રીમંડળના સભ્યોએ વિજયભાઇના પાર્થિવદેહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને અંતિમવિધિ વેળા પરિવારની સાથે જોડાઈને સાંત્વના પાઠવી હતી. રાજકોટમાં એરપોર્ટ ગ્રીનલેન્ડ ચોકડીથી રૂપાણીના પાર્થિવદેહને અંતિમયાત્રાના રૂપમાં અલગ અલગ વિસ્તારોમાંથી પ્રકાશ સોસાયટી ખાતે લઇ જવાયો હતો. નિવાસસ્થાને રાજ્યપાલ, કેન્દ્રીય ગૃહમંત્રી, મંત્રીમંડળના સભ્યો સહિતના આગેવાનોએ વિધિવત પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અંતિમધામ ખાતે અંતિમસંસ્કાર કરાયા ત્યારે ગુજરાત પોલીસના જવાનોએ ૨૧ બંદૂકોની સલામી આપી હતી.
રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ
પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ૨૪૧ પેસેન્જર સહિત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનને પગલે રાજ્ય સરકારે સોમવારે રાજકીય શોક જાહેર કર્યો હતો. ગુજરાત વિધાનસભા, રાજભવનથી લઈને સ્વર્ણિમ સંકુલ, સચિવાલય સહિત રાજ્યભરની સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવ્યો હતો.


comments powered by Disqus