નિકોસિયા: પ્રધાનમંત્રી મોદી સોમવારે 3 દિવસના સાઇપ્રસના પ્રવાસે પહોંચ્યા. અહીં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત અને સાઇપ્રસ ભલે ભૌગૌલિકરૂપે એકબીજાથી ખૂબ અંતરે હોય, પરંતુ બંને દેશો વચ્ચે સદીઓથી વ્યૂહાત્મક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધો ચાલ્યા આવે છે. બંને દેશો ઘણાં ક્ષેત્રો એકબીજા સાથે સહયોગ સાધી શકે છે. બંને દેશ વચ્ચે વેપાર, રોકાણ, નાણાકીય સેવા, સ્ટાર્ટઅપ, ઇનોવેશન, એઆઇ, આઇટી, લોજિસ્ટિક્સ, સંરક્ષણ, કનેક્ટિવિટી, શિપિંગ અને મોબિલિટીને લઈને ઘણી સંભાવના છે. આ સાથે ઇનોવેશન, ઊર્જા, ટેક્નોલોજી એમ ઘણાં ક્ષેત્રમાં જબરદસ્ત તક છે.
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, 23 વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાને સાઇપ્રસની મુલાકાત લીધી છે. તેનો પ્રથમ પ્રોગ્રામ જ બિઝનેસ રાઉન્ડ ટેબલ છે. ભારત-સાઇપ્રસ સંબંધોને લઈને ઉદ્યોગપતિઓ અને સીઈઓ કેટલા ઉત્સુક છે તે આ બાબતનું પ્રતિબિંબ છે.
સોમવારે સાઇપ્રસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાઇપ્રસના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા. સાઇપ્રસના રાષ્ટ્રપ્રમુખ નિકોસ ક્રિસ્ટોડોલિડેસે તેમને ‘ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિયોસ III' સન્માન એનાયત કર્યું હતું. સાઇપ્રસના આ નાઇટહૂડ સન્માનનું નામ ત્યાંના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ આર્કબિશપ મેકરિયોસ ત્રીજા પરથી રખાયું છે. સાઇપ્રસનું સર્વોચ્ચ સન્માન પ્રધાનમંત્રી મોદીને મળેલું 21મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. તેમણે 1.40 અબજ ભારતીયો વતી આ સન્માન સ્વીકારતાં સાઇપ્રસના રાષ્ટ્રપ્રમુખ, ત્યાંની સરકાર અને સાઇપ્રસના લોકો પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
સાઇપ્રસમાં ભારતની યુપીઆઇ સર્વિસ શરૂ થશે
સાઇપ્રસને ભારતનું વિશ્વસનીય સાથીદાર ગણાવીને પ્રધાનમંત્રી પીએમ મોદીએ મહત્ત્વના કરારો પર હસ્તાક્ષર કર્યા છે. જે અંતર્ગત હવે સાઇપ્રસમાં પણ ભારતની યુપીઆઇ સર્વિસ કાર્યરત થશે. સાઇપ્રસ યુરોપમાં ફ્રાન્સ પછી ભારતના યુપીઆઇનો ઉપયોગ કરનારો બીજો દેશ બનશે. તેમણે બંને દેશો વચ્ચેના હાલના 15 કરોડ ડોલરના વેપારને નવી ઊંચાઈએ પહોંચાડવા જણાવ્યું હતું.