અમદાવાદઃ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મંગળવાર રાત સુધી 163 ડીએનએ મેચ થયા છે, જે પૈકી 124 મૃતદેહ સોંપાયા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આ પ્રક્રિયા સતત ચાલી રહી છે, જે અંતર્ગત 21 પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે.
સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ રાકેશ જોશીએ જણાવ્યું કે, અમદાવાદના 41, વડોદરાના 16, ખેડાના 10, આણંદના 9, ગાંધીનગરના 6, મહેસાણા, ભરૂચ અને દીવના 5, સુરતના 4, ગીરસોમનાથ-મુંબઈના 3, અરવલ્લી, મહારાષ્ટ્ર, લંડન અને ઉદેપુરના 2-2, જૂનાગઢ, અમરેલી, મહિસાગર, ભાવનગર, બોટાદ, જોધપુર, પાટણ, રાજકોટ અને નડિયાદના 1 મૃતદેહ સ્વજનોને સોંપાયા છે.
ડૉ.રાકેશ જોશીએ ઉમેર્યું કે અત્યારે ગુજરાતની અલગ-અલગ હોસ્પિટલમાં કુલ 21 દર્દી દાખલ છે, સિવિલમાં અત્યારે 9 દર્દી દાખલ છે. એક દર્દી હાલ ગંભીર સ્થિતિમાં છે. ડીએનએ મેચિંગની પ્રક્રિયા સંવેદનશીલ હોવાથી તેની સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટી તંત્ર ખડેપગે કામગીરી કરી રહ્યાં છે.