મહુવાઃ ગુજરાતના જાણીતા કથાકાર મોરારિબાપુનાં ધર્મપત્નીનું નર્મદાબહેન મોરારિદાસ હરિયાણીનું 10 જૂને 79 વર્ષની વયે નિધન થયું. તેમણે ભાવનગર જિલ્લાના મહુવાના તલગાજરડા ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા, જેમના પાર્થિવ દેહને તલગાજરડાના નિવાસસ્થાને સમાધિ આપવામાં આવી. નર્મદાબહેનના મોતના સમાચાર સાંભળી ખુદ પ્રધાનમંત્રી મોદીએ મોરારિબાપુ અને તેમના પરિવારને ફોન કરી સાંત્વના પાઠવી હતી.
મંગળવારે મોડી રાત્રે દેહત્યાગ
નર્મદાબહેનની તબિયત બે દિવસથી ખરાબ હતી અને નિર્વાણ પામ્યાના બે દિવસ પૂર્વેથી તેમણે ખોરાક લેવાનું પણ બંધ કરી દીધું હતું. છેવટે મંગળવારે મોડી રાતે 1:30 વાગ્યે તેમણે દેહત્યાગ કર્યો. છેલ્લા કેટલાક સમયથી તેઓ બીમાર હતાં. પૂજ્ય મોરારિબાપુની ઉપસ્થિતિમાં 10 જૂને સવારે 8:30 વાગ્યે તેમના પાર્થિવ દેહને સમાધિ આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે સાધુસમાજમાં મૃત્યુને મંગળ અવસર માનવામાં આવે છે, જેને પગલે નર્મદાબહેનના મૃત્યુનો શોક મનાવવાના બદલે ધૂન-ભજન-કીર્તન ગાતાં મૃતાત્માને વાજતેગાજતે સમાધિ અપાઈ હતી.
તલગાજરડામાં શોકનો માહોલ
તેમના નિધનના સમાચાર મળતાં જ સમગ્ર તલગાજરડામાં શોકની લાગણી છવાઈ છે. પૂજય નર્મદાબહેનના નિધનથી તલગાજરડા ગામે સંપૂર્ણપણે બંધ પાળ્યો હતો. સમાચાર મળતાં જ શહેર કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મોરારિબાપુને ફોન કરી સાંત્વના પાઠવી હતી. નર્મદાબહેનના નિધન અને સમાધિ પ્રસંગે ધાર્મિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ સિવાય કલાકારો, કથાપ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હાજર રહેલા સૌએ મોરારિબાપુને સાંત્વના દર્શાવી નર્મદાબાની સમાધિસ્થ ચેતનાને છેલ્લી વખત ‘રામ-રામ’ કર્યા હતા. નર્મદાબાના નિધનથી સમગ્ર તલગાજરડા શોકમગ્ન બન્યું હતું.