રાજ્યભરમાં ચોમાસાનાં શ્રીગણેશઃ સૌરાષ્ટ્ર થયું તરબોળ

Wednesday 18th June 2025 06:20 EDT
 
 

અમદાવાદઃ રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસું બેસી ગયું છે, ત્યારે સોમવાર અને મંગળવારના દિવસે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. સિઝનના પ્રથમ વરસાદમાં જ રાજ્યના તમામ ઝોનમાં વરસાદ વરસ્યો હતો. જો કે સૌરાષ્ટ્રમાં વરસાદથી ભાવનગર, અમરેલી અને જૂનાગઢ જળબંબોળ બની ગયાં. તો વીજળી પડતાં 7 વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. સોમવારના એક દિવસમાં જ સિંહોરમાં 13.40, પાલિતાણામાં 11.26, જેસરમાં 10.47, સાવરકુંડલામાં 9, રાજુલામાં 7, ખાંભામાં 7, અમરેલી, વડોદરા અને ડભોઈમાં 6 ઇંચ વરસાદ પડ્યો.
સૌરાષ્ટ્ર
ભારે વરસાદથી અમરેલી જિલ્લાની સુષુપ્ત નદીઓ પણ બેકાંઠે બની હતી. આ કારણે મહુવાનું તલગાજરડા સંપર્કવિહોણું બન્યું હતું. ગામમાં કેડસમાં પાણી ભરાતાં સ્કૂલમાં વિદ્યાર્થીઓ ફસાયા હતા. ભાવનગરના જેસરમાં મંગળવારના એક દિવસમાં જ સવા 10 ઈંચ, પાલિતાણા અને સિહોર પંથકમાં 10 ઈંચ અને મહુવામાં પોણા 9 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સાવરકુંડલાના ફીફાદ-લુવારા વચ્ચે ખાનગી સ્કૂલની બસમાં સવાર બાળકો મેરામણ અને શેત્રુંજી નદીના ધસમસતા પૂરમાં ફસાયાં હતાં. પિપાવાવ નજીક પાણીના પ્રવાહમાં 22 શ્રમિકો ફસાઈ જતાં તેમનું રેસ્ક્યૂ કરાયું હતું.
કચ્છ
કચ્છ જિલ્લામાં મેઘરાજાની મહેરબાની થઈ છે. જિલ્લા મથક ભુજમાં સોમવારે રાત્રે 10 વાગ્યા બાદ વરસાદની શરૂઆત થઈ હતી. રાત્રે 12 વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. કચ્છના અન્ય 8 તાલુકામાં પણ વરસાદ પડ્યો છે. માંડવીમાં સૌથી વધુ 81 મિ.મી. વરસાદ નોંધાયો છે. મુન્દ્રામાં 41 મિ.મી., ભુજમાં 30 મિ.મી. અને ગાંધીધામમાં 31 મિ.મી., નખત્રાણામાં 18 મિ.મી., ભચાઉમાં 14 મિ.મી., અંજારમાં 9 મિ.મી., અબડાસામાં 8 મિ.મી. વરસાદ પડ્યો છે.
ઉત્તર ગુજરાત
મહેસાણા જિલ્લાના વિસનગરમાં સોમવારે સાંજે વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી. આખા દિવસના ભારે ઉકળાટ બાદ સાંજે વરસાદ પડતા વાતાવરણ ઠંડક પ્રસરી હતી. ભારે વરસાદ પડતાં રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે પડોશી જિલ્લા પાટણના તમામ તાલુકામાં પણ વરસાદનું આગમન થયું હતું.
દક્ષિણ ગુજરાત
સોમવારે સુરત શહેરના વાતાવરણમાં પલટો આવ્યો, સમગ્ર શહેરમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો. કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ તો કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. જનજીવન પર પણ તેની સ્પષ્ટ અસર દેખાઈ રહી છે. નવસારી જિલ્લામાં મેઘરાજાનું આગમન થતાં લોકોએ ગરમીથી રાહત તો અનુભવી જ, સાથોસાથ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો. આ વરસાદ ડાંગર સહિતના ચોમાસુ પાકો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. આગામી સમયમાં ખેડૂતો દ્વારા ડાંગર રોપણીની કામગીરી પણ શરૂ કરાઈ. આ વરસાદ ખેડૂતો માટે આશાનું કિરણ લઈને આવ્યો હતો.
મધ્ય ગુજરાત
અમદાવાદમાં સોમવારે સાર્વત્રિક વરસાદ વરસ્યો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. વડોદરા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ પડતાં ગરમીમાં શેકાતા લોકોને રાહત મળી હતી. મહિસાગર જિલ્લાના લુણાવાડામાં ધોધમાર વરસાદથી નીચાણવાળા અનેક વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. છોટાઉદેપુર જિલ્લામાં પણ ઠેરઠેર વરસાદ પડ્યો. બોડેલીના રાજબોડેલી ખાતે ધોધમાર વરસાદ પડતાં રસ્તા પર પાણીપાણી થઈ ગયું હતું. નડિયાદ સહિત મહેમદાબાદ, મહુધા, કઠલાલ, કપડવંજ, વસો, ખેડા, માતર સહિતના તાલુકામાં ધીમીધારે વરસાદ પડ્યો. નડિયાદ શહેરમાં સોમવારે એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.
નદીઓ બેકાંઠે
બગદાણા પંથકમાં ધોધમાર વરસાદથી ઓથા ગામની ડોંગી નદીમાં ઘોડાપૂર આવતાં મહુવા-બગદાણા રોડ બંધ કરાયો હતો. સાવરકુંડલાની ફૂલઝર નદીમાં ઘોડાપૂરથી વાઢેળા-નાવડા વચ્ચેનો પુલ તૂટતાં વાઢેળા ગામ સંપર્કવિહોણું બન્યું હતું. સાવરકુંડલામાં છાપરી અને ડેડકડી વચ્ચેનો પુલ બેસી જતાં વાહનોની અવરજવર સદંતર બંધ થઈ ગઈ છે.
સૌરાષ્ટ્રના કયા ડેમ ઓવરફ્લો
ઉપરવાસમાં ભારે વરસાદથી રાજુલાના ધારેશ્વર ગામ નજીક આવેલો ધાતરવડી-1, ધાતરવડી-2 ઓવરફ્લો થયા. ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં તમામ 59 દરવાજા એક ફૂટ ખોલી 5310 ક્યુસેક પાણી છોડાયું. આ સાથે ગઢડાના ભીમદાડ ડેમ, સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ અને મહુવા-તળાજામાં ધોધમાર વરસાદ પડતાં બગડ નદીમાં ઘોડાપૂર આવતાં મેથળા બંધારો ઓવરફ્લો થયો છે.
વડોદરાથી NDRFની 5 ટીમ કચ્છ-સૌરાષ્ટ્રમાં રવાના
વડોદરાસ્થિત જરોદ NDRFની કેટલીક ટીમો કચ્છ અને સૌરાષ્ટ્રમાં રવાના કરવામાં આવી. જેમાં બે ટીમ રાજકોટ, એક બોટાદ,
એક ભાવનગર અને એક ટીમ કચ્છમાં બચાવ કામગીરી માટે રવાના કરાઈ છે.


comments powered by Disqus