અમદાવાદમાં ૧૨ જૂનના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થતા 241 લોકોએ જીવ ગુમાવ્યા હતા જેમાં ૫૩ બ્રિટીશ પાસપોર્ટધારક હતા. જેમાં યુ.કે.સ્થિત અશોકભાઇ વિઠ્ઠલભાઇ પટેલ (૭૪ તથા એમના ધર્મપત્ની શ્રીમતી શોભનાબેન પટેલ (૭૧) પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યાં છે. આણંદ જિલ્લાના મૂળ મહેળાવ ગામના વતની અને કેન્ટના ઓર્પિન્ગટનમાં રહેતા ઇન્સ્યુરન્સ બ્રોકર અને ફાઇનાન્શીયલ એડવાઇઝર અશોકભાઇ ૧૯૭૮થી યુ.કે.માં સ્થાયી થયાં હતાં. આ પટેલ દંપતિ ઋષિકેશ સહિત ચારધામની યાત્રા કરી લંડન પરત આવી રહ્યાં હતાં.
વિમાન દુર્ઘટનાના દુ:ખદ સમાચાર સાંપડતાં અશોકભાઇના બેઉ દિકરા મિતેન પટેલ અને હેમીત પટેલ લંડનથી અમદાવાદ પહોંચી ગયા હતા. સિવિલ હોસ્પિટલમાં મિતેશનો DNA મેચ થતાં ફાધર્સ ડેના દિવસે જ એના પિતા અશોકભાઇના મૃતદેહની ઓળખવિધિ થઇ હતી. મિતેશે જણાવ્યું કે, “મારા પપ્પાના મૃતદેહનો કબજો મેળવી અમે બન્ને ભાઇ હોસ્પિટલ બહાર નીકળતા હતા ત્યાં જ ૯૯મા DNA મેચમાં મારાં મમ્મી શોભનાબેનની ઓળખવિધિ થતાં અમને પરત બોલાવી મમ્મીનો મૃતદેહ સોંપાયો હતો. પપ્પા અશોકભાઇનો DNA ૯૮ હતો અને મમ્મીનો DNA૯૯મો!! જે દંપતિ જીવનભર સાથે રહ્યાં અને સંગાથે રહેવાના કોલ આપ્યા હતા એ દંપતિના મૃતદેહ પણ એકબીજાની નજીકમાંથી જ મળી આવ્યા.
પત્રકારો અને ટીવી માધ્યમ સમક્ષ લાગણીસભર બની ગયેલા મિતેશે જણાવ્યું કે, “મોત પછી પણ મારી મમ્મીએ મારા પપ્પાને એકલા ઘરે આવવા ના દીધા! મમ્મી અમે તને અને પપ્પાને સાથે જ લઇને જઇશું". અશોકભાઇના બન્ને દિકરાઓ માતા-પિતાના મૃતદેહને લઇને લંડન પરત આવી ગયા છે. એમની અંતિમ ક્રિયા ટૂંક સમયમાં લંડનમાં જ કરાશે.
બ્રિટીશ ન્યુઝ ચેનલોમાં સમાચાર પ્રસારિત થાય છે કે અમદાવાદમાં ગુજરાત સરકાર કે સિવિલ હોસ્પિટલ સત્તાવાળા મૃતકોના સગાઓને કોઇ મદદ કે દાદ આપતા નથી પણ મિતેશભાઇએ ઘટના સ્થળે, હોસ્પિટલ અને એર ઇન્ડિયાના સૂત્રોએ જે રીતે મૃતકોના સગા સ્નેહીજનોની પડખે ઉભા રહીને કાળજી રાખી જરૂરી પેપરવર્ક્સમાં મદદરૂપ બન્યા છે એ બદલ જાહેરમાં પત્રકારો સમક્ષ સહ્દય આભાર વ્યક્ત કર્યો છે.
સત્તાવીશ પાટીદાર સમાજના ટ્રસ્ટી મુકેશભાઇએ જણાવ્યું કે, “મહેળાવમાં અશોકભાઇના પિતાજી વિઠ્ઠલભાઇ છોટાભાઇ પટેલ એક સ્વાતંત્ર્ય સેનાની તરીકે જાણીતા હતા. ખાદીધારી વિઠ્ઠલભાઇ મોરારજી દેસાઇની સાથે ઘનિષ્ઠ મૈત્રી ધરાવતા હતા. દિવંગત અશોકભાઇ, શોભનાબહેન અને વિમાન દુર્ઘટનામાં મોતને વરેલાં તમામ મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પતો કાર્યક્રમ ટૂખ સમયમાં જ શ્રી સત્તાવીશ પાટીદાર સમાજ દ્વારા આયોજિત કરવામાં આવશે.”