વઢવાણઃ સુરેન્દ્રનગરના સરસ્વતી કન્યા વિદ્યાલયનાં 50 વર્ષીય મહિલા પીટી શિક્ષક લાછુબહેન પરમારે 88 વર્ષના ખેડૂત પિતા સાથે કેરળ ખાતે યોજાયેલી નેશનલ માસ્ટર એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ રમતના પ્રદર્શન સાથે પિતાએ સિલ્વર અને દીકરીએ સતત પાંચમી વાર હેમર થ્રો રમતમાં ગોલ્ડ મેળવી રેકોર્ડ બનાવવા સાથે ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ અંગે લાછુબહેન પરમારે જણાવ્યું કે, રમતગમતમાં મારા પિતા મારી પ્રેરણા છે. તેઓ 88 વર્ષે પણ રમત-ગમતમાં સક્રિય ભાગ લે છે. મનમાં નિશ્ચય કરો કે રમવું છે તો ઉંમર માત્ર આંકડો છે.
તાજેતરમાં કેરળ રાજ્યના ત્રિશૂર ખાતે નેશનલ માસ્ટર્સ એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં મૂળ જૂનાગઢ જિલ્લાના ગોતાળા ગામના ખેડૂત 88 વર્ષીય મસરીભાઈ પરમાર તથા તેમનાં 50 વર્ષનાં પુત્રી અને હાલ વઢવાણ સરસ્વતી કન્યા વિદ્યાલયમાં પીટી શિક્ષક લાછુબહેન પરમારે ભાગ લીધો હતો.
હેમર થ્રો સ્પર્ધામાં પિતા મસરીભાઈએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો, જ્યારે લાછુબહેને માસ્ટર એથ્લેટિક્સ સ્પર્ધાના ઇતિહાસમાં પ્રથમ વાર સતત પાંચમી વખત ગોલ્ડ મેડલ મેળવી રેકોર્ડ બનાવ્યો હતો.