ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, જેમાં કોંગ્રેસનો જડમૂળથી સફાયો થઈ ગયો છે અને ફરી એકવાર ભાજપે મજબૂતાઈ સાથે બાજી મારી છે. રાજ્યની 68પૈકી 66 નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં 62 નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે. કોંગ્રેસ માત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાની સલાયા નગરપાલિકા જીતવામાં જ સફળ રહી છે, જ્યારે પોરબંદર જિલ્લાની કુતિયાણા, રાણાવાવ નગરપાલિકામાં સપાની જીત થઈ છે. આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકામાં અપક્ષનો દબદબો જોવા મળ્યો છે. ડાકોર નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ થઈ છે, તો ગાંધીનગર, કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયત ભાજપે જીતી છે. આ ચૂંટણીમાં 61.65 ટકા મતદાન નોંધાયું હતું.
સલાયામાં ભાજપનો અસ્વીકાર
દ્વારકાની સલાયા નગરપાલિકા ભાજપના પંજાથી દૂર રહી ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ નગરપાલિકામાં વોર્ડ નં. 1 અને 2માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે, જેમાં તમામ 4 ઉમેદવારોને વિસ્તારના લોકોએ વધાવી લીધા હતા. દેવભૂમિ દ્વારકામાં 28 બેઠકવાળી સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે ફરી બાજી મારી છે. સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે 15 બેઠક પર જીત નોંધાવી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 13 બેઠકોમાં બાજી મારીને ભાજપને પછાડ આપી છે.
દેવગઢ બારિયામાં ચૂંટણી લોહિયાળ બની
દેવગઢ બારિયા નગરપાલિકાનું ચૂંટણી પરિણામ જાહેર થતાં કાપડી વિસ્તારમાં એક જ કોમનાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં 3થી વધુ લોકોને ઇજા થતાં વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો.
જૂનાગઢમાં કોંગ્રેસના વિજય સરઘસ પર હુમલો
જૂનાગઢના વોર્ડ નંબર-8માં કોંગ્રેસની જીત થતાં વિજય સરઘસ કાઢ્યું હતું. જો કે આ સરઘસ પર હુમલો થયો હતો, જેને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.
હળવદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો સામસામે
હળવદ નગરપાલિકાની ચૂંટણીની મોડેલ સ્કૂલ ખાતે ચાલી રહેલી મતણગતરી સમયે બોલાચાલી થતાં ભાજપ કોંગ્રેસ આમને-સામને આવી ગયાં હતાં. ત્યાર બાદ પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.
કુતિયાણામાં કાંધલનો દબદબો યથાવત્
કુતિયાણા નગરપાલિકાની 24 સીટ પૈકી સમાજવાદી પાર્ટીને 14 સીટ મળતાં કાંધલ જાડેજાનો દબદબો યથાવત્ રહ્યો છે.
જ્યારે ભાજપને 10 સીટ મળતાં ઢેલીબહેનને ફટકો પડ્યો છે. આમ ઢેલીબહેનના 1995થી ચાલતા એકચક્રી શાસનનો અંત આવ્યો છે.
ભાજપની ઉજવણી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ બાદ ભાજપ દ્વારા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કાર્યકરોએ ઢોલ-નગારાં સાથે ઉજવણી કરી હતી. આ સાથે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિજયોત્સવમાં જોડાયા હતા.
પરિણામ નિરાશાજનક નથીઃ શક્તિસિંહ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, 2018 માં પરિપ્રેક્ષ્યમાં આજના નગરપાલિકાના પરિણામ નિરાશ થવા જેવા નથી. 2018ની સરખામણીએ આજના પરિણામ જોઈએ તો અનેક નગરપાલિકામાં કોંગ્રેસની ઘણી સીટો વધી છે. 2018 માં ચૂંટણી વખતે 78 ધારાસભ્ય હતા, આજે પરિણામ અપેક્ષા કરતાં ખરાબ નથી.