અમદાવાદઃ સુરતના બહુચર્ચિત એવા પ્રફુલ્લ સાડી ખંડણી કેસમાં કોર્ટમાં વર્ષોથી ગેરહાજર રહેનારા અંડરવર્લ્ડના ફઝલુ રહેમાન અને ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી સામે પકડ વોરંટ ઇશ્યૂ કરાયું હતું. આ કેસમાં 11 એપ્રિલની મુદત આપી છે. વકીલોના કહેવા પ્રમાણે આ તારીખ પહેલાં સુનંદા શેટ્ટી તેમજ ફઝલુને પકડીને કોર્ટમાં હાજર રહેવા જણાવાયું છે.
પ્રફુલ્લ સાડીના નામે સાડીનો વેપાર કરતા વેપારી પંકજ શિવલાલ અગ્રવાલ અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી તેમજ અન્ય આરોપીઓ વચ્ચે ચાલી રહેલા રૂ. 2 કરોડના ખંડણી માગવાના કેસમાં સમાધાનની વાતચીત વચ્ચે તમામ આરોપીઓએ કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી હાજરીથી મુક્તિ મેળવવા માટે અરજી કરી હતી. જો કે પાછલી મુદતમાં કોર્ટ દ્વારા તમામની અરજી રદ કરી દેવાઈ હતી અને તમામ આરોપીઓને કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન કરાયું હતું. ગત 19 ઓક્ટોબરે અંડરવર્લ્ડના ફઝલુ રહેમાનને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં હાજર કરાયો હતો.
આ દરમિયાન પણ કોર્ટે અન્ય આરોપીઓને ટાંકીને હાજર રહેવા જણાવ્યું હતું. મુદત દરમિયાન પણ ફઝલુ રહેમાન અને સુનંદા શેટ્ટી હાજર રહ્યાં ન હતાં અને તેઓએ મુદત માગી હતી. તેની સાથે જ અન્ય આરોપીઓના વકીલે પોતાના અસીલની તરફેણમાં હાજરી મુક્તિની અરજી આપી હતી.
વકીલે રજૂઆત કરી હતી કે, સુનંદા શેટ્ટી તેમજ ફઝલુ રહેમાન વારંવાર ગેરહાજર રહ્યા છે, જ્યારે બીજા આરોપીઓ સતત કોર્ટમાં હાજર રહ્યા છે તેમ ટાંકીને હાજરી મુક્તિની અરજી મંજૂર કરવા રજૂઆત કરાઈ હતી.