અમદાવાદઃ હિંમતનગરના મુસ્લિમ પરિવારનું 20 મહિનાનું બાળક દુર્લભ બીમારી SMA (સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી) ટાઇપ-1નો શિકાર બન્યું હતું. મધ્યમ વર્ગનો આ પરિવાર બાળકની મોંઘી સારવાર કરાવવામાં અસમર્થ હોવાથી તેમણે લોકોની મદદ લીધી હતી. અને લોકોએ પણ મુસીબતની આ ઘડીમાં પરિવારને દિલ ખોલીને ફાળો આપ્યો હતો. જે અંતર્ગત બાળકને રૂ. 16 કરોડનું ઇન્જેક્શન મળવાથી તેનો જીવ બચી શક્યો છે.
જીવન બચાવનારા આ ઇન્જેક્શનને અમેરિકાથી લાવવા માટે ખાસ કોલ્ડ ચેઇન બનાવાઈ હતી. જે મુજબ ઇન્જેક્શનને યુએસથી પ્રથમ દુબઈ, દિલ્હી અને અમદાવાદ લાવવામાં આવ્યું હતું. 13 ફેબ્રુઆરીએ આવેલું આ ઇન્જેક્શન બાળકને આપતાં તેની તબિયત સુધારા પર છે. ઉલ્લેખનીય છે કે SMA રોગથી પીડિત કોઈ બાળકને ગુજરાતમાં ઇન્જેક્શન અપાયું હોય એવી આ પ્રથમ ઘટના છે.