અમદાવાદઃ અમેરિકામાં ટ્રમ્પે સત્તા સંભાળતાં જ ગેરકાયદે રહેતા વિદેશી લોકોને ડિપોર્ટ કરવાનું શરૂ કરી દેવાયું છે, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી સહિત ભારતીયોનો પણ સમાવેશ થાય છે. 12 દિવસના ગાળામાં જ અમેરિકા દ્વારા ત્રણ તબક્કામાં ભારતીયોને ડિપોર્ટ કરાયા છે. અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 112 ભારતીયને લઈ 2 અમેરિકન વિમાન રવિવારે અમૃતસર પહોંચ્યાં હતાં, જેમાં સવાર 33 ગુજરાતી પૈકી 4 ગુજરાતી એક ફ્લાઇટમાં, જ્યારે અન્ય ફ્લાઇટમાં 29 ગુજરાતી ડિપોર્ટ થયા હતા. અમેરિકાથી આવેલા 3 વિમાનમાં ડિપોર્ટ થયેલા કુલ 332 ભારતીય વતન પરત ફરી ચૂક્યા છે, જેમાં 74 ગુજરાતીનો સમાવેશ થાય છે. 17 ફેબ્રુઆરીએ ગુજરાત પહોંચેલા 33 ગુજરાતીમાં કુલ 11 બાળક હતાં. એમાં પણ 10 વર્ષથી નાની ઉંમરનાં 8 બાળક હતાં. જે લોકો પરત ફર્યા છે એમના પરિવારજનોએ મીડિયાને કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો હતો.
ત્રણ બેચમાં 74 ગુજરાતીને પરત મોકલ્યા
અમેરિકાએ ડિપોર્ટ કરેલા ગુજરાતીઓ અલગ-અલગ ત્રણ બેચમાં વતનમાં પરત ધકેલવામાં આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર 6 ફેબ્રુઆરીએ 33 લોકો, 16 ફેબ્રુઆરીએ 8 લોકો અને 17 ફેબ્રુઆરીએ વધુ 33 લોકો પરત ફર્યા છે. 12 દિવસ દરમિયાન કુલ 74 ગુજરાતી ડિપોર્ટ થઈ ઘરે પરત આવી ચૂક્યા છે.
અમેરિકા ન જવા સલાહ
અમેરિકામાં સેટલ થવાની ઘેલછા ધરાવતા ગુજરાતીઓને ડિપોર્ટ કરાતાં વધુ 33 ગુજરાતીને હાથકડી સાથે એરફોર્સના ફ્લાઇટમાં અમૃતસર મોકલાયા હતા. પૂછપરછ બાદ તેમને અમદાવાદ મોકલાયા હતા. ત્રણ તબક્કામાં કુલ 74 ગુજરાતીને ડિપોર્ટ કરાયા છે. અમદાવાદ પહોંચતાં જ ડિપોર્ટ કરાયેલા તમામ ભાવુક બની ગયા હતા. ડિપોર્ટ થયેલા લોકોએ અમેરિકામાં ગેરકાયદે ન જવા સલાહ આપી હતી.
9 અમદાવાદીની ઘરવાપસી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા અમદાવાદના 9 સહિત 33 ગુજરાતીઓ સોમવારે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. અહીંથી પોલીસની કડક સુરક્ષા વચ્ચે તમામને રવાના કરાયા હતા. ડિપોર્ટ થયેલા 9 અમદાવાદીઓમાંથી નવા નરોડાના 7 અને નારણપુરાની 2 વ્યક્તિ છે. ડિપોર્ટ કરાયેલા 9 પૈકી 4 લોકો એક જ પરિવારના છે. જેમાં પતિ-પત્ની અને તેમનાં બે બાળકોનો સમાવેશ થાય છે. બંને બાળકોની વય 9 વર્ષ અને 5 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે, જેેઓ નવા નરોડામાં રહે છે. આ પરિવાર વિઝિટર વિઝા પર ફ્રાન્સ ગયો હતો અને ત્યાંથી અમેરિકામાં ઘૂસણખોરી કરી હતી. જો કે તેમને 1 વર્ષની અંદર જ ભારત પરત ફરવાનો વારો આવ્યો છે.
આ ઉપરાંત નવા નરોડાના જ પિતા-પુત્રને પણ ડિપોર્ટ કરાયા છે, જેમાં પુત્રની ઉંમર 17 વર્ષની છે. તેઓ ટૂરિસ્ટ વિઝા પર યુએઈ ગયા હતા, જ્યાંથી અમેરિકામાં ઘૂસણખોરી કરી હતી. તેઓ 5 વર્ષની અંદર પરત ફર્યા છે. નારણપુરાના રહેવાસી પતિ-પત્નીએ યુએઈ અને યુકેથી અમેરિકામાં ઘૂસણખોરી કરી હતી. તેઓ એક વર્ષમાં જ અમેરિકાથી પરત ફર્યાં છે. જ્યારે નવા નરોડાની 46 વર્ષીય મહિલાને પણ ડિપોર્ટ કરાઈ છે.
એજન્ટોનાં નામ ખૂલવાની શક્યતા
અમેરિકાથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓની હાલ ગુજરાત પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. ગુજરાત પોલીસ એજન્ટોને સુધી પહોંચવા માટેનો રૂટ શોધી રહી છે. આગામી સમયમાં ગેરકાયદે અમેરિકા મોકલનારા એજન્ટો પર તવાઈ આવશે. સંખ્યાબંધ લોકો ડંકી રૂટથી અમેરિકા પહોંચ્યા હતા. ખાસ કરીને અહીંથી કેનેડા કે મેક્સિકો જેવા દેશના નિયમિત વિઝા મેળવી અમેરિકામાં ઘૂસણખોરીની પદ્ધતિ પ્રચલિત છે.