અમદાવાદઃ સીબીઆઇ કોર્ટે 11 ફેબ્રુઆરીએ આરોપી ધવલ ત્રિવેદીને આજીવન કેદની સજાની સાથે રૂ. 3 લાખનો દંડ ફટકાર્યો છે. આ કેસમાં આરોપી પર યુવતી સાથે દુષ્કર્મ, અપહરણ અને બનાવટી ઓળખ બનાવવાનો આરોપ હતો. આ કેસની તપાસ ગુજરાત પોલીસ પાસેથી સીબીઆઇને સોંપાઈ હતી. પીડિતા યુવતીના પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી, જેના પર ગુજરાત હાઇકોર્ટે આ કેસ સીબીઆઇને સોંપવાનો આદેશ આપ્યો હતો. શરૂઆતમાં આ કેસ ચોટીલા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. હાઇકોર્ટના આદેશ બાદ સીબીઆઇએ આ કેસમાં તપાસ હાથ ધરી હતી. 46 વર્ષીય આરોપી ધવલ ત્રિવેદી અગાઉ પણ પોસ્કો અને બળાત્કારના કેસમાં દોષિત ઠર્યો હતો. જામીન પર છૂટ્યા પછી તેણે જેલમાં મળેલા કેદીઓની મદદથી અંગ્રેજી ભાષા શીખવવા માટે કોચિંગ ક્લાસ શરૂ કર્યા અને પોતાની ખોટી ઓળખ આપીને લોકો સાથે છેતરપિંડી કરી હતી.