પાટણઃ ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે 700 વર્ષ જૂની પરંપરા ચાલતી આવી રહી છે. આ પ્રથામાં પ્રથમ પુત્ર હોય તેવી જનેતાઓ દ્વારા અનોખી દોડ લગાવાય છે અને જે જનેતા પ્રથમ આવે તેનો પુત્ર આજીવન નિરોગી રહે તેવી માન્યતા છે. ગુરુવારે બપોરે હોળીના દિવસે 6 માતાએ 38 ડિગ્રી ગરમી વચ્ચે પોતાના પુત્રની તંદુરસ્તી માટે ગોગા મહારાજના મંદિરથી ગામના કુળદેવી વેરાઈમાતાના મંદિર સુધીના દોઢ કિલોમીટરની ખુલ્લા પગે દોડ લગાવી હતી.
શું છે પરંપરા?
દોડ પૂર્વે મહિલાઓ ગોગા મહારાજનાં દર્શન કરી આશીર્વાદ લે છે, ત્યારબાદ પૂજારી આ મહિલાઓના હાથ બાંધી શ્રીફળ, સાંકળ અને ત્રિશૂળ આપે છે, જેને લઈ માતાઓની દોડ શરૂ થાય છે. દોડતાં દોડતાં માતા થાકી જાય છે, તો ક્યાંક પડી પણ જાય છે, છતાં હિંમત હાર્યા વગર વેરાઈ માતાજીના મંદિરે પહોંચી પુત્રના સારા સ્વાસ્થ્ય માટે આશીર્વાદ મેળવે છે. ગામ વસ્યું તે સમયથી આ પરંપરાગત દોડમાં માતાઓની સાથે સ્નેહીજનો અને પરિવારની અન્ય મહિલાઓ પણ જોડાય છે.
અમેરિકાનાં નિર્મલાબહેન પણ દોડ્યાં
અમેરિકાના શિકાગોમાં વર્ષોથી વસતાં નિર્મલાબહેન ચૌધરીએ જણાવ્યું કે, અમારા ગામની પરંપરા છે કે બાળકનું સ્વસ્થ સારું રહે તે માટે માતા દોડ લગાવે છે. હું અમેરિકાના શિકાગોથી ગામની પરંપરા નિભાવવા આવી છું. હું ઇચ્છું છું કે બધાની માતા પ્રથમ આવે.