અમદાવાદઃ પાલડીના એક બંધ ફ્લેટમાંથી ડીઆરઆઇ (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ) અને એટીએસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરી 95.5 કિલો સોનું અને રૂ. 60 લાખ રોકડા જપ્ત કર્યાં છે. ગુજરાતના ઇતિહાસમાં સોનાનો આ સૌથી મોટો જથ્થો પકડાયો છે. 95.5 કિલો સોનાની બજાર કિંમત અંદાજે રૂ. 87 કરોડ થાય છે.
બાતમીના આધારે પાલડીમાં આવેલા આવિષ્કાર ફ્લેટના 104 નંબરના ઘર પર દરોડો પાડ્યો હતો. ડીઆરઆઇ પાસે ચોક્કસ માહિતી હતી કે, સોના અને રોકડની હેરાફેરી કરી આ ફ્લેટમાં સંતાડવામાં આવે છે. પ્રાથમિક અહેવાલ મુજબ ફ્લેટ શેરબજારના ઓપરેટર પિતા-પુત્ર મહેન્દ્ર શાહ અને મેઘ શાહે ભાડે રાખ્યો હતો. લાંબા સમયથી ફ્લેટ બંધ રહેતો હતો, છતાં તેમાં સતત અવરજવર થતી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. મહેન્દ્ર શાહ અને મેઘ શાહ શેરબજારના ઓપરેટર હોવા ઉપરાંત મની લોન્ડરિંગમાં પણ સંડોવાયા હોવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પકડાયેલી સોનાની તમામ લગડી ઇમ્પોર્ટેડ છે. ડીઆરઆઇનું આ સૌથી મોટું ઓપરેશન હતું.