અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે ખાસ કરીને સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ મુદ્દે વખતોવખત વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ થતો હોય છે અને સરકાર દ્વારા વિદ્યાસહાયકો, પ્રવાસી શિક્ષકોના નામે શિક્ષકોની ઘટ પૂરી કરવાના પ્રયાસો કરવામાં આવે છે. જો કે આદિવાસી તથા દુર્ગમ વિસ્તારોમાં આવેલી સરકારી શાળાઓમાં શિક્ષકો ફરજ પર હાજર થતા નથી, અથવા તો ઘણાં કિસ્સામાં ઉપલબ્ધ પણ હોતા નથી.
ગુરુવારે જાણીતા કથાકાર મોરારિબાપુએ આદિવાસી વિસ્તારોની સરકારી શાળાઓમાં સ્થિતિ ભયાનક હોવાનું કહી સરકારને સાવચેત કરી છે કે કેટલાક તથાકથિત ધર્મગુરુઓ તન, મન અને ધનથી વટાળ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહી આદિવાસીઓને મફત શિક્ષણ પૂરું પાડી બદલામાં ખ્રિસ્તી બનાવી દે છે. આ માટે સરકાર અને ઉદ્યોગજગતે ગંભીરતાથી વિચારીને આદિવાસી વિસ્તારોમાં વધુને વધુ શાળાઓ ખોલી મફત શિક્ષણ આપવું જોઈએ.
સોનગઢ ખાતે ચાલતી રામકથામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ઉદ્દેશીને મોરારિબાપુએ કહ્યું કે, ‘હર્ષભાઈ આટલા દિવસોથી ભિક્ષાના બહાને ગામડે ગામડે ફરું છું. ત્યાં મને આપણાં ભાઈ-બહેનોએ એમની વેદના વ્યક્ત કરી છે. એમની વેદના સાંભળીને એમ થાય કે આપણે મોડા ન પડીએ..!’ આ કહેતાં જ કથામાં ઉપસ્થિત લોકોએ તાળીઓ પાડીને બાપુની વાતને વધાવી લીધી હતી.
મોરારિબાપુએ એક વ્યક્તિએ લખેલો પત્ર વાંચતાં જણાવ્યું કે, ‘હું અહીંનો જ એક ગામિતભાઈ છું. સરકારી શાળાઓમાં એક કે બે જ શિક્ષકો જ હોય છે. અહીં તથાકથિત ધર્મગુરુઓ અમને નિઃશુલ્ક ધો.1થી 12 સુધીનો અભ્યાસ કરાવવા સેલવાસ અને દમણ લઈ જાય છે અને અમને ખ્રિસ્તી બનાવે છે!’