નાગપુરઃ મુઘલ શાસક ઔરંગઝેબની કબરના વિવાદને લઈને સોમવારે સાંજે મહારાષ્ટ્રના નાગપુરના મહલ વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. આ દરમિયાન કેટલાંક વાહનોમાં તોડફોડ અને આગચંપી પણ કરાઈ હતી અને 4 લોકો ઘવાયા હતા. પરિસ્થિતિ બેકાબૂ ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં પોલીસ અને રેપિડ એક્શન ફોર્સના જવાનોનો કાફલો ખડકી દેવાયો હતો. છત્રપતિ સંભાજીનગરમાં સ્થિત ઔરંગઝેબની કબર હટાવવાની માગને લઈ મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે આ માગ સાથે સોમવારે નાગપુરમાં દેખાવો કર્યા હતા.