ભુજઃ કચ્છ જિલ્લામાં ભુજ સહિતના વિવિધ વિસ્તારોમાં રાત્રે 3 વાગ્યે આકાશમાં આંખોને આંજી નાખતા પ્રકાશપુંજ સાથે રોમાંચક દૃશ્યો જોવા મળ્યાં. ભુજથી લઈ ભચાઉ અને લખપત સુધી વહેલી સવારે 3:12 વાગ્યે આકાશમાં અચાનક તેજપુંજ જોવા મળ્યો અને થોડી ક્ષણો માટે દિવસ જેવો પ્રકાશ છવાઈ ગયો, જેના કારણે લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. કોઈ ઊલ્કા તૂટીને વાતાવરણમાં પ્રવેશી હોવાથી આવાં દૃશ્યો સર્જાયાં હોવાનું ચર્ચાતું હતું.
ઉનાળાની ઋતુને કારણે ઘણા લોકો અગાસીમાં સૂતા હતા. આ દરમિયાન આકાશમાં કેટલીક ક્ષણો માટે તેજપુંજ દેખાયો હતો. આકાશમાંથી તારો તૂટતો હોય અથવા ઊલ્કા પડતી હોય તેવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. આ અસામાન્ય ઘટનાએ વિસ્તારમાં અનેક ચર્ચા જગાવી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જે જોઈને ભલભલા ચોંકી ઊઠ્યા હતા. કચ્છના ખગોળ શાસ્ત્રી નરેન્દ્ર ગોરે જણાવ્યું હતું કે, આ એક ખગોળીય ઘટના છે. જ્યારે અવકાશમાંથી કોઈ ઊલ્કા પૃથ્વી તરફ ખેંચાઈ આવે અને વાતાવરણમાં પ્રવેશતાં સર્જાતા ઘર્ષણના કારણે સળગી ઊઠેલી ઊલ્કાથી આકાશમાં પ્રકાશ ફેલાઈ જાય છે.
કચ્છ જિલ્લો તેની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ માટે જાણીતો છે. અહીં રણ, દરિયો અને ડુંગરનો સમન્વય છે અને કર્કવૃત્ત રેખા પણ પસાર થાય છે. આ જિલ્લામાં અગાઉ પણ અનેક ખગોળીય ઘટના નોંધાઈ ચૂકી છે.