નડિયાદઃ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા- સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ દેશ-વિદેશમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. જેનાં વખાણ માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરમાં ગુજરાતની નવી ઓળખ ઊભી કરી ચૂકી છે. જો કે આ વખતે કોંગ્રેસ નેતા દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણ બદલ પ્રધાનમંત્રી મોદીનાં વખાણ કરવામાં આવ્યાં છે.
ખેડાના પૂર્વ સાંસદ અને માજી કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે SoUના નિર્માણ બદલ પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા કરી હતી. દિનશા પટેલે મોદીનાં કાર્યો વિશે સકારાત્મક ટિપ્પણી કરતાં કહ્યું કે, પીએમ મોદીએ જે સારું કાર્ય કર્યું છે તેનો સ્વીકાર કરીએ છીએ. જે સારું કર્યું છે તે સારું જ છે. તેઓ આજે પણ સારા સંબંધ નિભાવે છે અને સારી રીતે વર્તી રહ્યા છે.