વોશિંગ્ટનઃ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનો અંત લાવવાના ભાગરૂપે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ પુતિન વચ્ચે મંગળવારે 3 કલાક કરતાં વધુ સમય સુધી ટેલિફોન પર થયેલી વાતચીતમાં પુતિન યુક્રેનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 30 દિવસ સુધી હુમલા ન કરવા સહમત થયા હતા.
મંત્રણા દરમિયાન ટ્રમ્પે બંને પક્ષ સમક્ષ એકબીજાના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 30 દિવસ સુધી હુમલા ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પુતિને આ પ્રસ્તાવનો સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને તાત્કાલિક રશિયાની સેનાને યુક્રેનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા ન કરવાનો આદેશ આપ્યો હતો. ક્રેમલિનના જણાવ્યા અનુસાર ટ્રમ્પ અને પુતિન વચ્ચે યુક્રેન અંગે વિગતવાર ચર્ચા થઈ હતી. 30 દિવસનો યુદ્ધવિરામ લાગુ કરવાના ટ્રમ્પના પ્રસ્તાવ પર રશિયાએ યુદ્ધભૂમિ પર નિયંત્રણ જળવાઈ રહે તે માટે મહત્ત્વના મુદ્દા ઉઠાવ્યા હતા. ક્રેમલિને જણાવ્યું છે કે, યુક્રેન સાથે મંત્રણા કરવામાં ઘણાં જોખમ રહેલાં છે. યુક્રેને વારંવાર કરારોનું ઉલ્લંઘન કર્યું છે.
ગત અઠવાડિયે સાઉદી અરબમાં વિદેશ મંત્રી માર્કો રુબિયોના નેતૃત્વમાં થયેલી ચર્ચા બાદ યુક્રેનિયન અધિકારીઓએ અમેરિકન પ્રસ્તાવ પર સહમતી દર્શાવી હતી. જો કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને હજુપણ સંદેહ છે કે પુતિન શાંતિ માટે તૈયાર થશે, કારણ કે રશિયન સેના હજુપણ યુક્રેનને નિશાન બનાવી રહી છે.
ટ્રમ્પે કહી હતી આ વાત
યુએસના રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે, રશિયામાં સ્થિતિ ખરાબ છે, જ્યારે યુક્રેનની સ્થિતિ પણ ખરાબ છે. યુક્રેનમાં જે થઈ રહ્યું છે તે સારું નથી, પરંતુ અમે જોઈશું કે શું અમે શાંતિ સમજૂતી, યુદ્ધવિરામ અને શાંતિ સ્થાપિત કરી શકીએ છીએ કે નહીં. અમને આશા છે કે અમે આમ કરવામાં સક્ષમ રહીશું.