અમદાવાદઃ રાજ્ય વિધાનસભાની ચૂંટણી વર્ષ 2027માં આવવાની છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસમાં રહીને પક્ષને નુકસાન પહોંચાડવા સાથે ભાજપને ફાયદો કરાવતા નેતાઓ-કાર્યકરોને ઓળખી કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ કવાયતના ભાગરૂપે રાહુલ ગાંધી અગાઉ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા, ત્યારે જ તેમણે અમદાવાદ શહેર કોંગ્રેસના અને પ્રદેશ કક્ષાએ કામગીરી કરતા બે નેતાઓને ઓળખી કાઢ્યા છે. હજુ વધુ નેતાઓ ઓળખી કાઢવા રાહુલ ગાંધીની ટીમ તપાસ કરી રહી છે. આ ટીમ ગુપ્ત રીતે ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓની કરમકુંડળી કાઢી રહી હોવાનું સૂત્રોનું કહેવું છે.
રાહુલ ગાંધીએ ભાજપને પડકાર ફેંક્યો છે કે, વર્ષ 2027ની વિધાનસભાની ચૂટણીમાં ભાજપને તેના ગઢ ગુજરાતમાં જ હરાવીશું. જેના પગલે કોંગ્રેસે તૈયારીઓ આરંભી દીધી છે. રાહુલ ગાંધીએ ગુજરાત મુલાકાતમાં કોંગ્રેસમાં રહીંને કોંગ્રેસ કરતાં ભાજપ સાથે વધારે વફાદારી ધરાવતા નેતાઓને કોરાણે મૂકવાનો સંકેત આપ્યો હતો.