સાહિત્યસર્જક રજનીકુમાર પંડ્યાનું નિધન

Wednesday 19th March 2025 05:53 EDT
 
 

અમદાવાદઃ નવલકથા ‘કુંતિ’ અને ‘પુષ્પદાહ’ જેવી નવલકથા, ‘ઝબકાર’, ‘મનબિલોરી’, ‘રંગબિલોરી’ જેવા વાર્તા અને લેખસંગ્રહો થકી ગુજરાતી સાહિત્યસર્જન ક્ષેત્રે મેધાવી પ્રતિભા અંકિત કરનારા રજનીકુમાર પંડ્યાનું શનિવારે નિધન થયું. તેઓ લગભગ છેલ્લાં બે વર્ષથી કિડનીની બીમારીથી પીડાતા હતા. બે દિવસથી તેઓ મણિનગરની હોસ્પિટલમાં હતા, જ્યાં તેમનું 86 વર્ષની વયે નિધન થયું.
6 જુલાઈ 1938ના રોજ જેતપુરમાં જન્મેલા રજનીકુમારે વર્ષ 1958-59થી નવલિકા લેખનથી લેખનયાત્રાની શરૂઆત કરી હતી. 1980 પછી વાર્તાત્મક ‘ઝબકાર’ કટાર દ્વારા તેમને વિશેષ ખ્યાતિ મળી. તેમનાં સિત્તેર ઉપરાંત પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે. કુમાર સુવર્ણચંદ્રક, હરિઓમ આશ્રમ એવોર્ડ , પત્રકારત્વ તથા સાહિત્યક્ષેત્રની સંસ્થાઓ દ્વારા વિવિધ એવોર્ડ અને સન્માન પ્રાપ્ત કરનારા રજનીકુમારે વિજયા બેન્કની નોકરી છોડીને સાહિત્યસર્જન થકી કલમના ખોળે જિંદગી અર્પણ કરી હતી. નવલકથા ‘પુષ્પદાહ’ અમેરિકા જઈને ત્યાંનાં વાસ્તવિક પાત્રો વચ્ચે રહીને તેમણે લખી હતી.


comments powered by Disqus