હવે નકલી પાસપોર્ટના ઉપયોગ બદલ 7 વર્ષની કેદ, રૂ. 10 લાખનો દંડ થશે

Monday 17th March 2025 05:52 EDT
 
 

નવી દિલ્હીઃ સંસદમાં નવા ઇમિગ્રેશન બિલને મંજૂરી મળી ગઈ છે, જેને પગલે હવે ભારતમાં પ્રવેશ કરવા, રહેવા અથવા બહાર જવા માટે નકલી પાસપોર્ટ અથવા વિઝાનો ઉપયોગ કરનારા પર આકરી કાર્યવાહી થશે. બિલની જોગવાઈ હેઠળ આ પ્રકારનો ફ્રોડ કરનારાને 7 વર્ષ સુધીની જેલની સજા અને રૂ. 10 લાખ સુધીનો દંડ થઈ શકે છે. આ સાથે હવે કેન્દ્રને વિદેશીઓના આવાગમન અંગે વધુ અધિકારો મળશે, જેમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો, જતા રોકવા, વિશિષ્ટ ક્ષેત્રો સુધી પહોંચને પ્રતિબંધિત કરવાની શક્તિનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયની દેખરેખમાં તૈયાર કરાયેલા ઇમિગ્રેશન અને ફોરેનર્સ બિલમાં હોટેલો, યુનિવર્સિટીઓ, અન્ય શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો અને નર્સિંગ હોમ દ્વારા વિદેશીઓ અંગે માહિતી આપવાની જોગવાઈ ફરજિયાત કરાઈ છે. આ માધ્યમથી નિશ્ચિત સમય કરતાં વધુ સમય સુધી આવી સંસ્થાઓમાં રોકાનારા વિદેશીઓ પર નિરીક્ષણ રખાશે. એ જ પ્રકારે બધી જ આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ અને જહાજોને ભારતમાં કોઈપણ બંદર અથવા અન્ય સ્થળ પર પ્રવાસીઓ અને ક્રૂની યાદી જમા કરાવવી પડશે.
આ બિલ ગત 11 માર્ચે લોકસભામાં રજૂ કરાયું હતું. તેની જોગવાઈ મુજબ જે કોઈપણ નકલી પાસપોર્ટ અથવા અન્ય પ્રવાસ દસ્તાવેજ અથવા વિઝાનો ઉપયોગ ભારતમાં પ્રવેશવા, રહેવા અથવા ભારતમાંથી બહાર જવા કરશે તેને ઓછામાં ઓછી 2 વર્ષની સજા કરાશે. આ સજા 7 વર્ષ સુધી વધારી શકાશે. વધુમાં આવા લોકોને ઓછામાં ઓછા રૂ. 1 લાખથી મહત્તમ રૂ. 10 લાખ સુધીનો દંડ થઈ શકે છે. કોઈપણ વિદેશી કાયદેસરના પાસપોર્ટ અથવા અન્ય પ્રવાસ દસ્તાવેજ વિના ભારતના કોઈપણ ક્ષેત્રમાં પ્રવેશ કરે અને ત્યાંના માટે દસ્તાવેજ જરૂરી હોય તો નિયમ ભંગ પર 5 વર્ષ સુધીની જેલ અને રૂ. 5 લાખ સુધીના દંડ તથા બંનેનો દંડ થઈ શકશે.


comments powered by Disqus