અંધશ્રદ્ધાની પરાકાષ્ઠાઃ બિલિમોરામાં માતાએ બે માસૂમ પુત્રને રહેંસી નાખ્યા

Wednesday 19th November 2025 07:01 EST
 
 

નવસારીઃ જિલ્લાના બિલિમોરા દેવસર પાસે આવેલા મહારાજા હાર્મોનિયમ એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફ્લેટ નં. 301માં રહેતા ઉત્તરપ્રદેશવાસી પરિવારની પરિણીતાએ મધ્ય રાત્રે દોઢ વાગ્યે 7 અને 4 વર્ષીય માસૂમ પુત્રની હત્યા કરી સસરાની પણ હત્યા કરવાનો પ્રયાસ કરતાં અરેરાટી ફેલાઈ હતી. હત્યારી માતાએ માતાજીના આદેશથી પુત્રોની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
મૂળ ઉત્તરપ્રદેશના અને બિલિમોરામાં સ્થાયી થયેલા શર્મા પરિવારના મોભી ઇન્દ્રપાલ શર્મા તેમની પત્ની અને 4 સંતાનો પૈકી બીજા નંબરના શિવાકાંત (ઉ.વ.35) પુત્રવધૂ સુનિતા અને પૌત્ર હર્ષ (ઉ.વ. 7) અને વેદ ( ઉ.વ. 4) સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. તેમના પુત્ર શિવાકાંતને 4 દિવસથી ટાઇફોઇડ હોવાથી બિલિમોરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે. 13 નવેમ્બરે ગુરુવારે ઇન્દ્રપાલ 10 વાગ્યે નિદ્રાધીન હતા તે વખતે રાત્રે દોઢ વાગ્યે રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલી પુત્રવધૂએ તેમના પર અચાનક હુમલો કરતાં તેમણે ફ્લેટની બહાર જઈ બૂમાબૂમ કરી હતી. આ દરમિયાન પુત્રવધૂએ દરવાજો બંધ કરી દીધો હતો. પોલીસે દરવાજો તોડી પ્રવેશ કરતાં બે પુત્રોની લાશ પાસે માતા સુનિતાને બેસેલી જોઈ તેઓ ડઘાઈ ગયા હતા. પોલીસે બે પુત્રોની હત્યા કરનારી સુનિતા શર્માની ધરપકડ કરી હતી.
માતાજીના આદેશનું રટણ
ફૂલ જેવાં બે સંતાનો હર્ષ અને વેદની હત્યા કરનારી માતા સુનિતાએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મધ્ય રાત્રે મહારાણી માતાજીએ પિતૃઓના મોક્ષ માટે ભેદી અવાજમાં આપેલા આદેશના પગલે હત્યા કરી હોવાનું રટણ કર્યું હતું. મધ્ય રાત્રીએ બનેલી હિચકારી ઘટનામાં પોલીસે ઘરમાં પ્રવેશતાં જ ભયાનક દૃશ્ય જોયું હતું, જેમાં મૃત હર્ષ અને વેદને કપાળે કંકુના તિલક કરી ચોખા વધાવાયા હોય તેવું જોવા મળ્યું હતું. સુનિતાની પૂછપરછમાં સામે આવ્યું કે, તે પોતે પુત્રની હત્યા બાદ આપઘાત કરવાની હતી. જો કે તે પહેલાં જ પોલીસે દરવાજો તોડી તેને ઝડપી લીધી હતી.


comments powered by Disqus