ડેડિયાપાડાઃ નર્મદાના ડેડિયાપાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લઈ જનસભાને સંબોધી હતી. વડાપ્રધાને સભાને સંબોધતાં કહ્યું કે, આઝાદી બાદ એક જ પરિવારની વાહવાહીમાં સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસીઓનું યોગદાન ભુલાઈ ગયું છે. આદિવાસી કલ્યાણ ભાજપની ટોચની પ્રાથમિકતા રહી છે. વડાપ્રધાને ઉમેર્યું કે, હું મુખ્યમંત્રી બન્યો ત્યારબાદ ગુજરાતના આદિવાસી પટ્ટામાં 10 હજાર સ્કૂલો બની અને આજે બે ડઝન જેટલી કોલેજો પણ કાર્યરત્ છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, હું પહેલો વડાપ્રધાન છું જેણે ભગવાન બિરસા મુંડાના ઘરની મુલાકાત લીધી છે. આજે પણ ભગવાન બિરસા મુંડાના પરિવારજનો સાથે મારા સારા સંબંધ છે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને દેશભરનાં રૂ. 9700 કરોડનાં વિકાસકામોનું ભૂમિપૂજન તથા લોકાર્પણ કર્યું હતું. બિહારમાં જીતને પગલે સુરત એરપોર્ટ પર વડાપ્રધાનનું અભિવાદન કરવા 10 હજારથી વધુ બિહારના લોકો બપોરથી ઊમટી પડ્યા હતા. પીએમએ પણ કાર્યક્રમને બદલીને એરપોર્ટ ખાતે જ બિહારીઓને સંબોધન કર્યું હતું.
ડેડિયાપાડાથી વડાપ્રધાને વિકાસને નવી દિશા આપી
ડેડિયાપાડા ખાતે શનિવારે આયોજિત કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ દેશભરનાં રૂ. 9700 કરોડનાં વિકાસકામોનું ભૂમિપૂજન તથા લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોવી-ડેડિયાપાડા રોડ, અવધા-તુતરખેડ રોડ, બારડોલી-મહુઆ રોડનું ફોર લેનિંગ, વડોદરા-ડભોઈ રોડ પર રોડ ઓવરબ્રિજ કમ લેવલ ક્રોસિંગ, હાંસપોર-અમલસાડ રોડ પર એરુ ચારરસ્તા પાસે મેજર બ્રિજનું પુનઃ નિર્માણ, નેનપુર હલધરવાસ બાર મુવાડા રોડને પહોળો અને મજબૂત કરવાની કામગીરી સહિતનાં કામોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યું હતું.
ડેડિયાપાડામાં વડાપ્રધાને 4 કિ.મી. લાંબો રોડ-શો કર્યો
સુરતથી વડાપ્રધાન નર્મદાના સાગબારા પહોંચ્યા હતા. જ્યાં તેમણે આદિવાસી સમાજનાં કુળદેવી પાંડુરી માતાજીનાં દર્શન કર્યાં હતાં. ત્યાંથી તેઓ ડેડિયાપાડાના પારસી ટેકરાથી પીઠા ગ્રાઉન્ડ સુધી 4 કિ.મી.નો રોડ શો કર્યો હતો.
વડાપ્રધાને મહિલા ક્રિકેટ ટીમને પણ યાદ કરી
વડાપ્રધાને ડેડિયાપાડા ખાતે ભારતની મહિલા ક્રિકેટ ટીમને યાદ કરી હતી. ભારતની મહિલા ક્રિકેટ ટીમે તાજેતરમાં જ વર્લ્ડકપ જીતીને ઇતિહાસ રચ્યો છે. આપણા આદિવાસી સમુદાયની એક પુત્રીએ તેમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
આજેય બિરસા મુંડાના પરિવાર સાથે સંબંધઃ મોદી
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે 15 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરાઈ હતી. રાષ્ટ્રીય સ્તરની ધરતી આબા ભગવાન બિરસાની જન્મજયંતીની ઉજવણીમાં બિરસા મુંડાના પરિવારજનો પણ સહભાગી થયા હતા. ભગવાન બિરસા મુંડાજીના પરિવારજન બુધરામ મુંડા અને તેમના પુત્ર રવિ મુંડા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી કાળ પહેલાંથી મારા ધરતી આબાના પ્રામાણિક વારસદાર બિરસા મુંડાના પરિવાર સાથે સંબંધ છે, જે આજે પણ યથાવત્ છે.

