અમરેલીઃ ઉદ્યોગપતિ ડો. સંજય મુંજપરા રૂ. 25 કરોડના ખર્ચે અમરેલીના સાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢ ગામની કાયપલટ કરશે. ગામમાં વિવિધ વિકાસકાર્યો કરાશે, જેનું ખાતમુહૂર્ત 14 નવેમ્બરે રાજ્યપાલના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રૂ. 25 કરોડના ખર્ચે ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટ અને સીસીટીવી સહિતની સુવિધાઓ ઊભી કરાશે.
વતનમાં પાયાની સુવિધા ઊભી કરવા સંકલ્પ
મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત ‘વિદ્યાપીઠથી અનુસ્નાતકનો અભ્યાસ કરનાર ડો. સંજય મુંજપરાએ ગ્રામીણ વિકાસ અંગે ઊંડી સમજ પ્રાપ્ત કરી છે. તેમણે પોતાના વતનમાં પાયાની સુવિધા ઊભી કરવા, તેની કાયમી જાળવણી કરવા અને ખેતીક્ષેત્રે વિજ્ઞાન-ટેક્નોલોજીનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી તથા સંલગ્ન ઉદ્યોગો વિકસાવવા સંકલ્પ લીધો છે.
શહેર જેવી સુવિધાઓ ઊભી કરાશે
ઉદ્યોગપતિ ડો. સંજય મુંજપરાએ જણાવ્યું કે, કૃષ્ણગઢ ગામમાં મારો જન્મ થયો અને પછી અભ્યાસ માટે હું અમદાવાદ સ્થાયી થયો હતો. ત્યારે માતૃભૂમિનું ઋણ ચુકવવા માટે રૂ. 25 કરોડના ખર્ચે શહેર જેવી ગામની તમામ આંતરમાળખાકીય સુવિધા ઊભી કરવા નિર્ણય કર્યો છે. ગામમાં રોડ-રસ્તા, પાણી, ગટર, મંદિર, સમાજવાડી સહિતની સુવિધાનો સમાવેશ કરાયો છે. જે વતનપ્રેમી વ્યક્તિઓ છે તે પોતાની જન્મભૂમિને શણગારે અને આવનારા સમયમાં પોતાના ગામને કૃષ્ણગઢ જેવું બનાવે એવો હું લોકોને સંદેશ આપવા માગું છું.
કુદરતી સૌંદર્યથી ભરપૂર કૃષ્ણગઢ
કૃષ્ણગઢ ગામની સ્થાપના મહારાજા કૃષ્ણકુમારસિંહે કરી હતી. ગીર કાંઠા પર આવેલું આ ગામ આશરે બે હજારની વસ્તી ધરાવે છે, જેમાંથી અડધી વસ્તી રોજગારી માટે સુરત અને અમદાવાદ જેવાં શહેરોમાં સ્થાયી થઈ છે. આ ગામ અને તેની આસપાસનો વિસ્તાર કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. લગભગ 52 હજાર એકર જેટલો જંગલ વિસ્તાર અને નયનરમ્ય ડેમ (તળાવ) આ વિસ્તારની શોભામાં વધારો કરે છે. રાત્રીના સમયે ગીરના સિંહો પણ ગામ અને આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે.

