ઓડિશા વિધાનસભા પેટાચૂંટણીમાં ગુજરાતી ઉમેદવાર જય ધોળકિયા વિજેતા

Wednesday 19th November 2025 05:01 EST
 
 

નવપાડાઃ ઓડિશાની નવપાડા વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જય ધોળકિયા વિજેતા થયા છે. 32 વર્ષના યુવાન જયને કુલ 1,23,869 મત મળ્યા હતા અને તેમણે કોંગ્રેસ ઉમેદવાર ઘાસીરામ માંઝીને 83,748 મતના વિશાળ અંતરથી હરાવ્યા. જય મૂળ ગુજરાતી છે અને તેમના પિતા બીજેડીના નેતા તથા ઓડિશા સરકારના પૂર્વ મંત્રી હતા. જેમના અવસાન બાદ ખાલી થયેલી બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં જય સહાનુભૂતિના મત દ્વારા ચૂંટાઈ આવ્યા છે.
રાજેન્દ્ર ધોળકિયાનું 8 સપ્ટેમ્બરે અવસાન થયા બાદ તેમના પુત્ર જયે બીજેડીમાં જોડાવાને બદલે 11 ઓક્ટોબરે ભાજપમાં જોડાવાનું પસંદ કર્યું હતું. રાજેન્દ્ર ધોળકિયાના કટ્ટર હરીફ અને ઓડિશા પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ બસંત પાંડા આ કારણસર નારાજ હતા, પરંતુ પાર્ટીએ તેમને મનાવી લીધા અને જયને પેટાચૂંટણીમાં ટિકિટ આપી હતી. જયની જીત સાથે અહીં બીજેડીનું વર્ચસ્વ તૂટી ગયું છે.
રાજેન્દ્ર ધોળકિયાનો પરિવાર આશરે 100 વર્ષ પહેલાં ગુજરાતથી ઓડિશા જઈને વસ્યો હતો અને તેમણે પોતાનો ધંધો શરૂ કર્યો હતો. બિઝનેસમેનથી રાજેન્દ્ર ધોળકિયાએ 2004માં રાજકારણમાં ઝુકાવ્યું અને સૌપ્રથમવાર આ જ બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તે પછી તેઓ બીજુ જનતા દળમાં જોડાયા અને 2009, 2014 અને 2019માં ચૂંટાઈ આવ્યા હતા. 2022થી 2024 દરમિયાન રાજેન્દ્ર ધોળકિયા નવીન પટ્ટનાયક સરકારમાં આયોજન વિભાગના મંત્રી પણ હતા. તેઓ સતત ભાજપના મોટા નેતા બસંત પાંડાના હરીફ રહ્યા છે અને એકબીજાનો વિરોધ કરતા રહ્યા છે. જો કે હવે રાજેન્દ્ર ધોળકિયાનો પુત્ર જય ભાજપનો જ ઉમેદવાર બની ગયો છે. આગામી સમયમાં ઓડિશાની ભાજપ સરકાર જયનો મંત્રીમંડળમાં સમાવેશ કરે તેવી પણ ધારણા છે.


comments powered by Disqus