નવસારીઃ નવસારીમાં રૂ. 55 કરોડથી વધુના ખર્ચે બનેલું અદ્યતન ઓડિટોરિયમ શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈ-લોકાર્પણથી ખુલ્લું મૂકવામાં આવ્યું. દેડિયાપાડાથી વડાપ્રધાનના હસ્તે આ પ્રકલ્પનું ઉદ્ઘાટન કરાયું હતું, જે શહેર માટે એક નવું નજરાણું બનશે.
નિર્માણકાર્ય અઢી મહિના પહેલાં જ પૂર્ણ થયું હતું
આ ભવ્ય ઓડિટોરિયમનું નિર્માણ અઢી મહિના પહેલાં જ પૂર્ણ થયું હતું. જો કે કેટલાક કારણોસર તેનું લોકાર્પણ તાત્કાલિક થઈ શક્યું નહોતું. હવે વડાપ્રધાનના કાર્યક્રમ સાથે તેને સત્તાવાર રીતે જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
અદ્યતન ઓડિટોરિયમમાં 800 બેઠકોની ક્ષમતા ધરાવતો મુખ્ય હોલ છે. આ ઉપરાંત તેમાં બેન્ક્વેટ હોલ અને કોન્ફરન્સ હોલ જેવી સુવિધા પણ ઉપલબ્ધ છે. આ પ્રકલ્પમાં અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, લાઇટિંગ અને સીસીટીવી કેમેરા જેવી ટેક્નોલોજી પણ સ્થાપિત કરાઈ છે.

