સુરતઃ સુરત પોલીસે શહેરમાં ચાલી રહેલા હાઇબ્રીડ ગાંજાનું વેચાણ ઝડપી પાડ્યું છે. ઝડપાયેલા ત્રણ લોકોની પૂછપરછમાં પોલીસને ચોંકાવનારી વિગતો મળી છે. જિતુ ધામેલિયા નામના શખ્સનો પુત્ર જર્મનીમાં MBA કરી શકે તેના માટે રૂ. 12 લાખની જરૂર હતી, જેના માટે તેણે શોર્ટકટમાં રૂપિયા કમાવા હાઇબ્રીડ ગાંજાનું વેચાણ શરૂ કર્યું હતું.
પુત્રના હાથમાં ઉચ્ચ ડિગ્રી જોવા માગતા જિતુ અન્યનાં સંતાનોને ડ્રગ્સના રવાડે ચડાવતો હતો, જ્યારે BCAમાં એટીકેટી બાદ આડારસ્તે ચડેલો એક યુવક વચેટિયાનું કામ કરતો. તો સ્કોટલેન્ડમાં MBA કરવા ગયેલો પણ ફેલ થયેલો યુવક હાઇબ્રીડ ગાંજાની સપ્લાય કરતો હતો. સુરતની ચોક બજાર પોલીસે આ ગૂંચવાયેલા નેટવર્કને ઉકેલી કાઢી ત્રણેય મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. જિતુ સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગોલ્ડન ઝોન સેન્ટર નામે દુકાન ચલાવે છે. પ્રથમ નજરે આ એક સામાન્ય વેપારનું સ્થળ લાગે, પરંતુ પોલીસની બાતમી મુજબ આ 'ગોલ્ડન ઝોન' યુવાનો માટે 'ડ્રગ ઝોન' બની ગયું હતું.

