અમદાવાદઃ 1989માં રાજ્યના તત્કાલીન આરોગ્ય મંત્રી અને કોંગ્રેસ ધારાસભ્ય વલ્લભભાઈ પટેલની હત્યાના આરોપી અનિરુદ્ધસિંહ ચંદુભા જાડેજાને નિર્દોષ છોડવાના ટ્રાયલ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટે બહાલી આપી છે. આ મામલે રાજ્ય સરકારની અપીલ હાઇકોર્ટે રદ કરતાં આરોપીને 29 વર્ષે રાહત
મળી છે.
રાજકોટ સેશન્સ કોર્ટે વર્ષ 1996માં આ કેસમાં આરોપી અનિરુદ્ધસિંહને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડ્યા હતા. જેની સામે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. સરકારી વકીલની રજૂઆત હતી કે, આ કેસ સાંયોગિક પુરાવા આધારિત છે, તેમજ સાક્ષીઓને તપાસીને ઘટનાની કડીઓ પૂર્ણ કરવામાં ફરિયાદી પક્ષ સફળ રહ્યો હતો. આરોપીએ નવેમ્બર 1989માં રાત્રે વલ્લભ પટેલની છરો મારી હત્યા કરી હતી, જે છરો આરોપી પાસેથી રિકવર કરાયો હતો. સાક્ષીઓએ તેને ઓળખી બતાવ્યો હતો અને FSL અને મેડિકલ પુરાવા ફરિયાદ પક્ષની તરફેણમાં હતા.

