ભાવનગરઃ વન વિભાગના આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ભાવનગર પોસ્ટિંગ મેળવીને આવેલા ક્રૂર પતિએ હેવાનિયતની હદ વટાવી ઘરકંકાસમાં પત્ની અને બે માસૂમ સંતાનને મોતને ઘાટ ઉતારી દીધાં. જંગલખાતાના અધિકારીએ ફિલ્મી કહાનીની જેમ ઠંડા કલેજે હત્યા કર્યા બાદ ત્રણેયના મૃતદેહને જમીનમાં દાટી પુરાવાનો નાશ કરવા પ્રયાસ કર્યો હતો.
મૂળ સુરતમાં રહેતો અને 9 માસ પૂર્વે એસીએફનું પ્રમોશન મેળવી ભાવનગર આવેલા શૈલેશ બચુભાઈ ખાંભલાએ વેકેશન ગાળવા આવેલાં પત્ની નયનાબહેન (42), દીકરી પૃથા (13) અને દીકરા ભવ્ય (09)ને 5 નવેમ્બરથી 6 નવેમ્બર દરમિયાન મોતને ઘાટ ઉતારી દીધાં હતાં. જે બાદ ત્રણેય મૃતદેહને ક્વાર્ટર પાસે ખાડામાં દાટી પુરાવાનો નાશ કર્યો હતો. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં પોતાનાં પત્ની, પુત્રી અને પુત્ર ગુમ થવાની ફરિયાદ કરી હતી.
જો કે તેના નિવેદન પર શંકા જતાં પોલીસે તેની ગહન પૂછપરછ કરી હતી, જેમાં આખરે તેણે ઘરકંકાસથી કંટાળી ત્રણેયની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. ભરતનગર પોલીસે શૈલેશ વિરુદ્ધ બીએસએનની કલમ 103 (1), 238 (એ), 240, 216 મુજબ ફરિયાદ નોંધાવી છે.

