બનાસકાંઠાના અંબાજી માર્બલને GI Tag મળ્યો

Wednesday 19th November 2025 07:00 EST
 
 

અંબાજીઃ બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ અંબાજીએ હવે માત્ર ધાર્મિક આસ્થા માટે જ નહીં, પરંતુ તેની ધરતીમાંથી નીકળતા શુદ્ધ સફેદ માર્બલ માટે પણ વિશ્વમાં આગવી ઓળખ મેળવી છે. અંબાજી વિસ્તારના માર્બલને ભારત સરકારે ‘ભૌગોલિક સંકેત’ (Geographical Indication - GI Tag) તરીકે માન્યતા આપી છે. આથી અંબાજી માર્બલ હવે કાયદેસર રીતે સુરક્ષિત અને વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતું ઉત્પાદન બની ગયું છે. આ ટેગ સાથે અંબાજી માર્બલનું માન વધ્યું છે અને હવે તે વિશ્વના નકશા પર ગુજરાતની નવી ઓળખ તરીકે ચમકશે.
અંબાજી માર્બલ માટેની આ નોંધણી અંબાજી માર્બલ ક્વોરીઝ એન્ડ ફેક્ટરી એસોસિયેશનના નામે કરાઈ છે. જેમાં સ્ટોન આર્ટિસન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (SAPTI), ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ કમિશનર તથા બનાસકાંઠા કલેક્ટરની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે.
ભારત સરકારના ઉદ્યોગ મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ઉદ્યોગમંત્રી પિયૂષ ગોયલના હસ્તે બનાસકાંઠાના ભૂસ્તરશાસ્ત્રી ગુરપ્રિતસિંહને જી.આઇ. (ભૌગોલિક ઓળખ) ટેગનું પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે, પવિત્ર યાત્રાધામ તરીકે શક્તિપીઠ અંબાજીને વૈશ્વિક ઓળખ મળી છે. તેવી જ રીતે અંબાજી માર્બલનું નામ પણ વિશ્વમાં તેજસ્વી રીતે લખાયું છે. હવે અંબાજી શ્રદ્ધાની સાથે કુદરતી સંપત્તિ અને ઔદ્યોગિક ગૌરવનું પ્રતીક પણ બન્યું છે. અંબાજી માર્બલનું માન વધ્યું છે અને અંબાજીનું નામ વિશ્વના પથ્થર ઉદ્યોગના નકશા પર તેજસ્વી રીતે લખાયું છે.


comments powered by Disqus