કેવડિયા કોલોનીઃ કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે એક અનોખી પહેલ રૂપે ‘ભારત પર્વ–2025’નું આયોજન પ્રથમવાર દિલ્હીની બહાર એકતાનગર ખાતે કરાયું છે. આ પર્વમાં ઉપસ્થિત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે, સરદાર સાહેબે ભારતને એક કર્યું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવાનું વિઝન આપ્યું છે ત્યારે SoU ભારત પર્વનું આયોજન પણ આ એકતાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે.
સરદાર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે સમાનતા દર્શાવતાં યોગીએ કહ્યું કે, નવું ભારત દેશની સુરક્ષા, સાર્વભૌમત્વ અને અખંડિતતા સાથે સમાધાન કરતું નથી. જે કોઈ ભારતની સુરક્ષા સાથે સમાધાન કરવાની હિંમત કરશે તેને કિંમત ચૂકવવી પડશે. આ નવું ભારત સમય આવતાં યોગ્ય રીતે જવાબ આપશે. આપણે છેલ્લાં 11 વર્ષોમાં તેના સાક્ષી બન્યા છીએ. પીએમના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારત તેના વારસાને અપનાવી રહ્યું છે. તેમણે માત્ર વારસા, વિકાસ અને ગરીબોના કલ્યાણની નવી પરંપરાને પ્રોત્સાહન આપીને ભારતની વર્તમાન પેઢીને પ્રેરણા આપી નથી, પરંતુ ભારતને એક વિકસિત દેશ તરીકે સ્થાપિત કરવા એક વિઝન પણ પૂરું પાડ્યું છે. સરદાર પટેલે 563 રજવાડાંને એકીકૃત કર્યાં અને ‘એક ભારત’ બનાવ્યું. તેવી જ રીતે પીએમ મોદી છેલ્લાં 11 વર્ષથી એક ભારતને શ્રેષ્ઠ ભારતમાં પરિવર્તિત કરવા કામ કરી રહ્યા છે.

