દાહોદઃ ગુજરાતના દાહોદ જિલ્લાના રતનમહાલ જંગલમાં 9 મહિનાથી ચક્કર લગાવતો વાઘ હવે ત્યાં સ્થાયી થયો છે. લગભગ 6 વર્ષની વયનો આ નર વાઘ સંપૂર્ણ તંદુરસ્ત છે. નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટીના નિષ્ણાતો હવે ઓથોરિટી પાસે વાઘના સંવર્ધન માટે માદા વાઘની માગણી કરશે.
રાજ્યના વનવિભાગના સ્થાનિક અધિકારીઓ આ વાઘ અંગે મૌન છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાઘ, સિંહ જેવાં પ્રાણીઓ મળ-મૂત્રથી એમનો વિસ્તાર નિશ્ચિત કરે છે. આમ તેણે અભયારણ્યમાં તેની રહેણાક હદ નિશ્ચિત કરી લીધી છે. મધ્યપ્રદેશના જાંબુઆ નજીક કાઠીવાળા પ્રદેશમાં વાઘની મોટી સંખ્યા છે. સ્લોથ બિયરની વસ્તી માટે જાણીતા રતનમહાલ જંગલમાં પહેલેથી જંગલી ભૂંડ, નીલગાયની મોટી વસ્તી છે, એટલે વાઘને ખોરાકની મુશ્કેલી પડતી નથી. છતાં તેના ખોરાકનો ખ્યાલ રાખી 35 હરણ અભયારણ્યમાં છોડાયાં છે. વાઘ માનવવસ્તી તરફ ન જાય તે માટે વિશેષ કાળજી રખાઈ રહી છે.

