રાષ્ટ્રવિરોધી આરોપીઓનું ડોઝિયર તૈયાર કરવા ગુજરાત પોલીસવડાનો હુકમ

Wednesday 19th November 2025 05:01 EST
 
 

અમદાવાદઃ દેશમાં ફરી આતંકનો સળવળાટ શરૂ થયો છે. ગુજરાત, ફરીદાબાદ, ઉત્તરપ્રદેશથી પકડાયેલા આતંકીઓ ઝડપાતાં અને દિલ્હીના બ્લાસ્ટ બાદ દેશભરની સુરક્ષા એજન્સીઓ હાઇએલર્ટ પર છે. ત્યારે ગુજરાતના પોલીસવડા વિકાસ સહાયે સોમવારે સાંજે રાજ્યભરની પોલીસને આદેશ કર્યો છે કે, છેલ્લા ત્રણ દાયકામાં દેશવિરોધી પ્રવૃતિમાં પકડાયા હોય તેવા આરોપીઓની ફેરતપાસ કરો અને તે હાલ ક્યાં છે અને શું કરે છે તેની વિગતોનું અપડેટ ડોઝિયર તૈયાર કરી 100 કલાકમાં મોકલી આપવું. સિનિયર પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, ગુજરાતના પોલીસવડાએ જે હુકમ કર્યો છે તે માત્ર આતંકીઓ પૂરતો જ નથી, છેલ્લાં ત્રીસ વર્ષમાં દેશવિરોધી પ્રવૃત્તિમાં આતંકવાદ ઉપરાંત નાર્કોટિક્સ, સ્મગલિંગ, આર્મ્સ, ટાડા અને પોટા, ઓઇલ લાઇનમાં પંક્ચર કરી ઓઇલ ચોરી અને નકલી ચલણી નોટના કેસ જેમની સામે નોંધાયા છે એવા તમામ આરોપીની તપાસ કરવા આદેશ કરાયો છે.
આદેશમાં છેલ્લાં ત્રીસ વર્ષ દરમિયાનના ઉપરોક્ત ગુનાના આરોપીઓ હાલ તેમના જે-તે રહેણાક, તેમની પ્રવૃત્તિ અને તમામ વિગતો અપડેટ કરવી અને ડોઝિયર બનાવી મોકલી આપવા કહેવાયું છે.
દેશનાં આતંકી જૂથો અંગે એજન્સીઓની તપાસ
ગુજરાતમાં દોઢ દાયકા પછી ફરી એક વખત આતંકવાદની ભારે ચર્ચા છે. ઇન્ડિયન મુજાહિદ્દીનના મહોરતળે દેશભરમાં ફેલાવાયેલા આતંકની કમર વર્ષ 2008માં ગુજરાત પોલીસે તોડી હતી. 17 વર્ષ પછી રાજસ્થાન સરહદથી ડ્રોનથી ત્રણ પિસ્તોલ અને કારતુસ ઘુસાડાયા હતાં, જેને લઈ જતા બાયો ટેરર ફેલાવવાના મનસુબા સેવતા 3 આતંકીને ગુજરાત ATSએ ઝડપી પાડ્યા હતા.
આ ઘટનાક્રમના કલાકોમાં જ દિલ્હીમાં ભારે ભીડ વચ્ચે કારમાં વિસ્ફોટ થયો તે સાથે જ આતંકીઓની ડોક્ટર્સ મોડસ ઓપરેન્ડી ખુલ્લી પડી છે. આ બે ઘટનાએ બાયોટેરર, ડાર્કવેબ ઉપરાંત નાર્કો ટેરરિઝમના ખતરાની ઘંટડી વગાડી છે. પેંતરાબાજી બદલી ભારતમાં આતંકવાદ પ્રસરાવવા પાકિસ્તાન સક્રિય હોવાનાં તથ્યો વચ્ચે દેશમાં કેટલાં આતંકી જૂથો સક્રિય છે તે અંગે એજન્સીઓ ઊંડી તપાસ કરી રહી છે.


comments powered by Disqus