સુરતઃ શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેનના અંત્રોલી સ્થિત ડાયમંડ આકારના રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. દરમિયાન બુલેટ ટ્રેન વિસ્તાર માટે તૈયાર થઈ રહેલી 5 મોડેલ ટીપી સ્કીમનું પ્લાનિંગ નિહાળી પ્રભાવિત થયા હતા. વડાપ્રધાન મોદી સમક્ષ મોડલ ટીપી સ્કીમ, ગ્રોથ હબ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન કર્યું હતું. પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાઇસ્પીડ રેલવે સ્ટેશન વિસ્તારના વિકાસકાર્યથી માહિતગાર કર્યા હતા. સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (સુડા) દ્વારા ગુજરાત સરકાર, એમઓએચયુએ અને જીકાના સંકલનથી બુલેટ ટ્રેન સ્ટેશન વિસ્તાર માટે 5 ટાઉન પ્લાનિંગ સ્કીમ તૈયાર કરાઈ રહી છે.
આ પ્રકારે હાઇસ્પીડ રેલવે કોરિડોરના વિકાસ માટે દેશમાં પહેલીવાર ટીપી સ્કીમનું આયોજન થયું છે. પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, નીતિ આયોગ દ્વારા ગુજરાત સરકારના સંકલનથી સુરત ઇકોનોમિક રિજિયન માટે ઈ-કોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે. ભારત બઝાર, સસ્ટેનેબલ ટાઉનશિપ અને મલ્ટિમોડલ કનેક્ટિવિટી જેવાં મુખ્ય ઘટકોનો સમાવેશ કરીને સુરત ઇકોનોમિક રિજિયનને વિકસિત ભારત@2047માટે મહત્ત્વપૂર્ણ ગ્રોથ હબ તરીકે વિકસાવાશે.

