સાઇબર ગુલામીના રેકેટનું દુબઈ-પાકિસ્તાન કનેક્શનઃ જૂનાગઢથી ત્રણ ઝડપાયા

Wednesday 19th November 2025 05:01 EST
 
 

અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાય સમયથી અલગ-અલગ રાજ્યથી યુવાનોને વિદેશમાં સારી નોકરીની લાલચ આપી તેમને બંધક બનાવીને ખંડણી વસૂલવાનો ખેલ ચાલી રહ્યો છે, જેમાં મ્યાનમારના 5. દુબઈના 15, મલેશિયા અને વિયેતનામના 15 મળી 41 લોકોને સારી નોકરીની લાલચ આપી સાઇબર ગુલામીના નર્કાગારમાં ધકેલનારા જૂનાગઢનાં દંપતી સહિત 3 આરોપીની સાઇબર સેન્ટર ઓફ એક્સેલન્સ સેન્ટરની ટીમે ધરપકડ કરી છે.
જૂનાગઢની મુખ્ય સૂત્રધાર સોનલ ફળદુ અવારનવાર દુબઈની ટ્રીપ મારતી હોવાથી પાકિસ્તાની એજન્ટોના સંપર્કમાં આવ્યા બાદ હ્યુમન ટ્રાફિકિંગના રેકેટમાં ભાગીદારી કરી હતી. ઠગ દંપતી અન્ય એજન્ટોની મદદથી યુવકોને વિદેશમાં સારી નોકરીની લાલચ આપી પૈસા પડાવીને સાઇબર ગુલામીના નર્કાગારમાં ધકેલતું હતું. યુવકદીઠ દંપતીને રૂ. 2થી અઢી લાખની કમાણી થતી હતી. આરોપીઓ સાથે સાઇબર ક્રાઇમ રેકેટમાં કરેલી ભાગીદારીની કમાણી અલગ હતી. સાઇબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે જૂનાગઢનાં સોનલ સંજયભાઈ ફળદુ, તેના પતિ સંજય હરિભાઈ ફળદુ અને તેના આણંદમાં રહેતા સબ એજન્ટ શૈલેશ ડાભીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ત્રણ મોબાઇલ ફોન જપ્ત કરાયા છે.
પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ આ ટોળકી યુવકોને વિદેશમાં ટાઇપિંગ, ટેકનિકલ કે ડેટા એન્ટ્રીની જોબ હોવાનું જણાવી થાઇલેન્ડ, બેંગકોક, દુબઈ, વિયેતનામ, મ્યાનમાર અને કંબોડિયા મોકલતી હતી. એજન્ટોને રૂ. 55 હજાર ફી અને ફલાઇટના ભાડાના રૂ. 25 હજાર મળી રૂ. 80 હજાર ચૂકવી વિદેશ જતા યુવકોને એરપોર્ટ પરથી સાઇબર માફિયાઓના માણસો ઉપાડી લેતા હતા.


comments powered by Disqus