રિયાધઃ સાઉદી અરેબિયામાં સોમવારે મોડી રાત્રે એક ભીષણ માર્ગ અકસ્માતમાં 45 ભારતીયોનાં મોત થયાં. ઉમરાહ માટે ગયેલા ભારતીયોને લઈને મક્કાથી મદીના જઈ રહેલી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાતાં દુર્ઘટના બની હતી, જેમાં 45 ભારતીયો કાળનો કોળિયો બની ગયા હતા. મૃતકોમાં મોટાભાગના લોકો હૈદરાબાદના રહીશો હતા. મૃતકોમાં 18 મહિલા, 17 પુરુષો અને 10 બાળકોનો સમાવેશ થાય છે. આ હોનારતમાં ફક્ત બસનો ડ્રાઇવર જ જીવતો બચ્યો હતો. હૈદરાબાદ પોલીસના જણાવ્યા મુજબ 9 નવેમ્બરે હૈદરાબાદથી 54 લોકો ઉંમરાહ કરવા સાઉદી અરેબિયા ગયા હતા. તેઓ 23 નવેમ્બરે પાછા ફરવાના હતા. 54 પૈકી 4 લોકો રવિવારે અલગ કારથી મદીના ગયા હતા, જ્યારે 4 લોકો મક્કામાં જ રોકાઈ ગયા હતા. આમ દુર્ઘટના વખતે બસમાં 46 લોકો હતા, જેમાંથી ફક્ત ડ્રાઇવર જ બચ્યો હતો.
એક જ પરિવારના 18 સભ્યનાં મોત
આ દુર્ઘટનામાં માર્યા ગયેલા ભારતીયોમાં હૈદરાબાદના એક જ પરિવારનાં 9 બાળકો સહિત 18 સભ્યોનો પણ સમાવેશ થાય છે. મૃતકોના સંબંધી મોહંમદ આસિફે અશ્રુભીની આંખે જણાવ્યું કે, મારો આખો પરિવાર ખતમ થઈ ગયો. મારા સાઢુ, સાળી, તેમનો દીકરો, ત્રણ દીકરી અને તેમનાં સતાનો બધાં માર્યાં ગયાં. મારી પુત્રી અને જમાઈના પરિવારમાં માત્ર એક સંતાન બચ્યું છે, કેમ કે તે હાલ અમેરિકા ભણવા ગયો છે. અમેરિકામાં રહેતા સંબંધીનાં ત્રણ બાળકો પણ આ દુર્ઘટનામાં માર્યા ગયાં છે.
સાઉદી સરકાર મૃતદેહ નહીં સોંપે
રવિવારે મોડી રાત્રે સાઉદી અરેબિયાના મક્કા-મદીના હાઇવે પર બસ અકસ્માતમાં મૃત્યુ પામેલા 45 ભારતીય નાગરિકોના મૃતદેહ ભારત પરત મોકલાશે નહીં. સાઉદી વહીવટીતંત્રે ભારતીય દૂતાવાસને સ્પષ્ટતા કરી છે કે, તમામ મૃતદેહોને સ્થાનિક કબ્રસ્તાનમાં દફનાવાશે. ઉમરાહ જનારા લોકો પાસે એગ્રિમેન્ટ કરાવાય છે કે રસ્તામાં જો કોઈ જાનહાનિ થાય છે તો તેમના મૃતદેહને ત્યાં જ દફનાવવામાં આવશે.

