સુરતઃ સરકારે પોલિએસ્ટર યાર્ન પર QCO (ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર) દૂર કરતાં સૌથી મોટો ફાયદો સુરતની ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીને થશે. QCOના અમલથી ક્વોલિટી યાર્ન આયાત થઈ શકતું નહોતું. બીજી તરફ સ્થાનિક સ્તરે યાર્નના સતત વધતા ભાવ અંગે ચેમ્બરે 60 વખત રજૂઆત કરી હતી. આખપે 2 વર્ષ બાદ સરકારે QCO હટાવી દેવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે યાર્ન 10થી 35 ટકા સસ્તું થશે. બીજી તરફ આને કારણે વીવિંગ ઇન્ડસ્ટ્રીમાં આગામી 5 વર્ષમાં રૂ. 45 હજાર કરોડનું રોકાણ પણ થશે.
ઉત્પાદન નહિવત્ થયું હતું
સરકારે 2023માં MMF (મેનમેડ ફાઇબર)ના કિ-રોમટિરિયલ્સ PTA-MEG પર QCOનો અમલ લાદ્યો હતો. ત્યાર બાદ ઓક્ટોબર 2023થી પોલિએસ્ટર યાર્નની પ્રોડક્ટ FDY, POY, IDY પર પણ QCOનો અમલ કર્યો હતો, જેથી BIS (બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ) સર્ટિફિકેટ હોય તે જ આ મટિરિયલ્સ વેચી શકે એવો ઓર્ડર હતો. જેથી ભારતમાં MMFના કિ-રોમટિરિયલ્સની આયાત બંધ થઈ ગઈ હતી અને ઘણા સ્પેશિયાલિટી યાર્નની અછત શરૂ થઈ હતી. ખાસ કરીને સ્પેશિયલ લાઇફ સ્ટાઇલ ફેબ્રિક્સનું ઉત્પાદન તળિયે ગયું હતું.
એક્સપોર્ટ પણ વધશે
શહેરમાં દર મહિને એરજેટ, વોટરજેટ અને રેપિયર જેકાર્ડ મળી સરેરાશ 1700 નવાં મશીનો ઇન્સ્ટોલ થઈ રહ્યાં છે, જેમાં ઉચ્ચ ગુણવત્તાના યાર્નની જરૂરિયાત હોય છે. પરંતુ QCOના અમલથી અમુક યાર્ન ઈમ્પોર્ટ થતા નહોતા. હવે આ યાર્ન ઈમ્પોર્ટ થતાં સુરતમાં એક્સપોર્ટ લેવલના કાપડ-ગાર્મેન્ટનું ઉત્પાદન થઈ શકશે, જેથી એક્સપોર્ટ પણ વધશે. હાલ સુરતમાં રોજ 6 કરોડ મીટર કાપડ બને છે, જે 5 વર્ષ પછી 12 કરોડ મીટર પર પહોંચશે.
ચેમ્બર ઉપપ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું કે, હવે ભારતનું એક્સપોર્ટ 100 બિલિયન ડોલરથી પણ વધવાની સંભાવના છે. સ્થાનિક સ્તરે હાઇવેલ્યુ ગાર્મેન્ટ મોટા પ્રમાણમાં બનતાં સુરત ગાર્મેન્ટ હબ બનશે. આગામી 5 વર્ષમાં રૂ. 45 હજાર કરોડનું રોકાણ થશે અને એક્સપોર્ટમાં પણ વધારો થશે.

