અમદાવાદઃ દિલ્હીમાં કાર બ્લાસ્ટના પગલે અમદાવાદ એરપોર્ટ હાઇએલર્ટ પર છે. એરપોર્ટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (બીસીએએસ)એ એરલાઇનોને સેકેન્ડરી લેડર પોઇન્ટ ચેક (SLPC) કરવા આદેશ કર્યો છે. એટલે કે અમદાવાદના ડોમેસ્ટિક-ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિવિધ રૂટની ફલાઇટોમાં જતા પહેલાં પેસેન્જરોના હેન્ડ લગેજનું બે-બે વખત ચેકિંગ કરાઈ રહ્યું છે.
આ મેન્યુઅલી હેન્ડ લગેજ ચેકિંગની કામગીરી માટે એરલાઇનોએ અલગથી સ્ટાફ મૂક્યો છે. પેસેન્જરને તેમની સાથે 7 કિલોની એક બેગ રાખવા તથા ચેકિંગ પ્રક્રિયા સમયસર પૂરી થાય તે માટે 2ને બદલે 3 કલાક વહેલા પહોંચવા એડવાઇઝરી જાહેર કરાઈ છે.
સેકન્ડરી લેડર પોઇન્ટ ચેકનો આદેશ ક્યારે અપાય છે?
એરપોર્ટને કે ફલાઇટને આતંકીઓ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળે કે કોઈ આતંકી હુમલો થયો હોય તેવા સંજોગોમાં બીસીએએસ એરપોર્ટની સુરક્ષાને ધ્યાનમાં રાખી ફરજિયાત એરલાઇનોને પેસેન્જરોનું સેકન્ડરી લેડર પોઇન્ટ ચેકનો આદેશ કરે છે. પેસેન્જરનું સીઆઇએસએફ સિક્યોરિટી ચેકિંગની સાથે હેન્ડ લગેજનું સ્કેનિંગ થયા બાદ પણ એરલાઇન મેન્યુઅલી ચેકિંગ કરે છે. આ પ્રક્રિયામાં 15થી 25 મિનિટ લાગે છે.

