અમદાવાદઃ પંજાબથી પાકિસ્તાનસ્થિત આતંકીઓને ગ્રેનેડ અને વિસ્ફોટકોની મદદ કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી લેવાયો છે. પોલીસથી બચવા આ આતંકી હાલોલની ફેક્ટરીમાં મજૂરનો વેશ ધારણ કરીને છુપાયો હોવાની બાતમીના આધારે એટીએસના સ્ટાફે વોચ ગોઠવી ગુરપ્રિતસિંઘને ઝડપીને પંજાબ પોલીસને હવાલો કર્યો હતો.
પંજાબના ગુરદાસપુરમાં એક સપ્તાહ પહેલાં ગ્રેનેડ અને વિસ્ફોટકોની હેરફેર કરવાની સાથે સીમાપાર આતંકીઓને મદદ કરવાનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલો મુખ્ય આરોપી મનુ અગવાન અને મનિન્દર બિલા મલેશિયા રહે છે. તેમણે પાકિસ્તાની જાસૂસી એજન્સી આઇએસઆઇના હેન્ડલર સાથે મળીને પંજાબમાં ગ્રેનેડ અને હથિયાર મેળવીને મોટા પ્રમાણમાં આતંકી હુમલાનું કાવતરું ઘડ્યું હતું.
પંજાબ પોલીસે આ કેસમાં પંથબીરસિંઘ અને અન્ય આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરતાં સહઆરોપી તરીકે ગુરુપ્રિતસિંઘનું નામ ખૂલ્યું હતું. આ અંગે ગુજરાત એટીએસને ટિપ અપાઈ હતી, જેના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું કે ગુરપ્રિતસિંઘ હાલોલની એક કંપનીમાં મજૂર તરીકે કામ કરે છે. જેથી વોચ ગોઠવીને ગુરુપ્રિતસિંઘને ઝડપી લેવાયો હતો.

