નવી દિલ્હીઃ અવકાશયાત્રી શુભાંશુ શુક્લા રવિવારે સવારે ભારત પરત આવ્યા હતા. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની ઐતિહાસિક યાત્રા પૂરી કર્યા બાદ જ્યારે તેઓ દિલ્હી એરપોર્ટ પર પરત આવ્યા ત્યારે તેમનું ઊમળકાભેર સ્વાગત થયું હતું. આ પ્રસંગે દિલ્હી એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ, દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને ઇસરોના ચેરમેન વી. નારાયણન હાજર હતાં. નોંધનીય છે કે, શુભાંશુ શુક્લાની સાથે તેમના બેકઅપ એસ્ટ્રોનોટ ગ્રૂપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર પણ સ્વદેશ પરત આવ્યા હતા. ત્યાર બાદ કેન્દ્રીય પ્રધાને શુક્લાના ઊમળકાભેર સ્વાગતની યાદગીરી ટ્વીટ કરીને શેર કરી હતી. વિદ્યાર્થીઓના એક સમૂહે પણ અંતરીક્ષયાત્રીનું શાનદાર સ્વાગત કર્યું હતું.
શુભાંશુની પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત
ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ રાજધાની દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેઓ એક્સિઓમ-4 મિશન દરમિયાન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જે તિરંગો લઈ ગયા હતા, તે તિરંગો તેમણે પીએમ મોદીને ગિફ્ટ આપ્યો હતો. આ મુલાકાત દરમિયાન તેમણે સ્પેસમાં પડકારો અને અન્ય માહિતી પીએમ સાથે શેર કરી હતી. પીએમ મોદી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લાની ગિફ્ટથી પ્રભાવિત થયા હતા. તેમણે કહ્યું કે, શુભાંશુ શુક્લા આવનારી પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત બનીને ઊભર્યા છે.
ભરપેટ વખાણ કરતા કોંગ્રેસ સાંસદ થરુર
ભારતના અંતરીક્ષયાત્રી શુભાંશુ શુક્લાની સિદ્ધિ અંગે લોકસભામાં સોમવારે ચર્ચા કરાઈ, જેમાં કોંગ્રેસ નેતા શશિ થરુરે શુભાંશુ શુક્લાની સિદ્ધિઓનાં ભરપેટ વખાણ કર્યાં હતાં. આ દરમિયાન વિપક્ષોએ ભારતના સ્પેસ મિશનની સિદ્ધિને લગતી ચર્ચાનો બહિષ્કાર કર્યો હતો. જો કે સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ વિપક્ષોને ચર્ચામાં ભાગ લેવા અપીલ કરી હતી.

