વાવઃ ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ બંને દેશો વચ્ચે 1971માં યુદ્ધ થયું હતું. ત્યારબાદ 1971 અને 1982માં ઘણા હિન્દુ પરિવારે પાકિસ્તાન છોડવાનો નિર્ણય કર્યો હતો, જેમાંના હજારો પરિવારોએ ભારતમાં આવી અહીંની નાગરિકતા સ્વીકારી હતી. જે પૈકી થરાદના શિવનગરમાં બ્રાહ્મણ, વજીર, દલિત, પંડ્યા, લુહાર સહિત અનેક પરિવાર વસ્યા છે. 40 વર્ષથી વસતા આ પરિવારની બહેનોના ભાઈઓ પાકિસ્તાનમાં વસતા હોવાથી રક્ષાબંધને બહેનો આજેપણ રાખડી બાંધી શકતી નથી.
40 વર્ષથી ભાઈનું મોં પણ ન જોઈ શકવાથી બહેનોની આંખોથી આંસુ સરી પડે છે. પાકિસ્તાનથી થરાદ આવેલી આવી અનેક બહેનોનોએ જણાવ્યું હતું કે, રક્ષાબંધને અમારા ભાઈઓની યાદ આવે છે. નાનપણમાં તમામ તહેવારો ઊજવતાં હતાં. જો કે હવે વિઝા મળતા નથી, જેથી અમે રાખડી બાંધવા જઈ શકતાં નથી. 40 વર્ષથી દર રક્ષાબંધને બહેનો ભાઈની યાદમાં થાળીમાં રાખડી કુમકુમ રાખી તૈયારી તો કરે છે, પરંતુ ભાઈ પાકિસ્તાન હોવાથી રાખડી તેના સુધી પહોંચતી નથી અને વિઝા ન મળતાં બહેનો જઈ પણ શકતી નથી.

