જામનગરઃ અકબરના દુશ્મન અઝીઝ કોકાને આશરો આપનારા જામનગરના જામસાહેબ સાથે ધ્રોલના ભૂચરમોરીના મેદાનમાં યુદ્ધે ચઢેલી અકબરની સેના સાથે લડીને હજારો સૈનિકોની સાથે પાટવી કુંવર જામ અજાજીએ શહીદી વહોરી હતી. આ શહીદોને શીતળા સાતમે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ કાર્યક્રમમાં હજારો રાજપૂત યુવા-યુવતીઓએ ક્ષાત્રધર્મને ઉજાગર કરવાનાં શપથ લીધાં હતાં.
34 વર્ષથી ભૂચરમોરી મેદાનમાં શહીદોને શ્રદ્રાંજલિ આપતો કાર્યક્રમ યોજાય છે. આ વર્ષે શીતળા સાતમે યોજાયેલા કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને આરએસએસ નાગપુરની કેન્દ્રીય સમિતીના સદસ્ય શરદરાવજી ઢોલે, મહેમાનોમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય રિવાબા જાડેજા, આઇ.કે. જાડેજા, હકુભા જાડેજા, કીર્તિસિંહ વાઘેલા, ડો. જયેન્દ્રસિંહ જાડેજા, પી.ટી. જાડેજા, દેવેન્દ્રસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં રાજપૂતો હાજર રહ્યા હતા.

